વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિત સામે લોકોમાં રોષ જોવા મળ્યો. શહેરમાં હોળી તહેવાર પર કારેલીબાગ પાસે વધુ એક તથ્યકાંડ જોવા મળ્યો હતો. કારેલીબાગ પાસે નશામાં ધૂત નબીરા રક્ષિતે 8 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 1 મહિલાનું મોત નિપજ્યું હતું જયારે 7 વ્યક્તિઓને ગંભીર ઇજા પંહોચી હતી. હોળીની રાત્રે મૃતક મહિલા માટે રક્ષિત યમરાજ બનીને આવ્યો. નશામાં કાર ચલાવી લોકોને અડફેટે લેનાર નબીરા સામે લોકોમાં રોષ જોવા મળ્યો. એક સામાજિક કાર્યકરે રફતારના રાક્ષસ રક્ષિત સામે અનોખો વિરોધ નોંધાવ્યો.


યમરાજ બની કર્યું વિરોધ પ્રદર્શન

સામાજિક કાર્યકરે આવા રફતારના રાક્ષસોને સખતમાં સખત સજા થવી જોઈએ તેવી માંગ કરતા યમરાજ બની જાહેર માર્ગ પર પ્રદર્શન કર્યું. સામાજિક કાર્યકરે હાથમાં જે પ્લેકાર્ડ રાખ્યું તેમાં લખ્યું છે કે ન્યાયનો અનધર રાઉન્ડ કયારે ? વડોદરા માંગે છે જવાબ. સામાજિક કાર્યકરે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે ભવિષ્યમાં આવા બીજા કોઈ રક્ષિત અને તથ્ય પેદા ના થાય માટે સરકારે હવે રફતારના રાક્ષસો સામે કડક પગલાં લેવા પડશે. હોળીની રાત્રે કારેલીબાગ પાસે બનેલ અકસ્માતમાં એક પાટીદાર મહિલાનું મૃત્યુ થયું હતું. આ મહિલાના પરિવારને 1 કરોડનું વળતર મળવું જોઈએ. તેમજ અન્ય સાત ઇજાગ્રસ્તોને પણ 10 લાખ સુધીનું વળતર મળવું જોઈએ. જેથી કરીને ઇજાગ્રસ્તો પોતાની યોગ્ય સારવાર કરાવી શકે.

રફતારના રાક્ષસોને સખત સજા થવી જોઈએ

કારેલીબાગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પાટીદાર હતી. અને હજુ સુધી કોઈ મોટા પાટીદાર રાજનેતા તેમના પરીવારને સાંત્વના આપવા આવ્યા નથી. એટલે રાજકીય પક્ષો અને પાટીદાર અગ્રીઓ કે જેઓ હંમેશા લોકોને સહાય કરવાના દાવા કરતા હોય છે તે પોકળ સાબિત થયા છે.ઉડતા પંજાબ એવું કહેવાય છે પરંતુ હવે ઉડતા ગુજરાત પણ શરૂ થયુ છે. નબીરાઓ નશો કરી બેફામપણે વાહન હંકારે છે અને નિર્દોષ લોકો અડફેટે આવતા આવા રફતારના રાક્ષસો ભોગ બનનારા માટે યમરાજ સાબિત થાય છે. આ સાથે સામાજિક કાર્યકરે એ પણ અપીલ કરી કે સરકારે આરોપી રક્ષિતની મિલકત ટાંચમાં લેવી જોઈએ. અને ગાંધી બાપુના ગુજરાતમાં નશાનું ચલણ કેમ વધ્યું છે તેની તપાસ થવી જોઈએ.

  • Follow us on: