રાજકોટના વીરપુરમાં જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા પર ટિપ્પણીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. સ્વામીના નિવેદન બાદ વીરપુરમાં હંગામો મચ્યો છે. વીરપુરવાસીઓએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. રોષે ભરાયેલા વીરપુરવાસીઓએ બે દિવસ સુધી વીરપુર બંધ રાખવાનો નિર્ણય કર્યો. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને વીરપુર આવીને જ્ઞાનપ્રકાશ માફી માગે તેવું 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યુ છે.
સ્વામીને આપ્યુ અલ્ટીમેટમ
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. સ્વામીના નિવેદન બાદ વીરપુરમાં હંગામો મચ્યો છે. વીરપુરમાં ગ્રામ પંચાયતમાં આ મામલે બેઠક યોજાઈ હતી. ગ્રામ પંચાયત કચેરી ખાતે રઘુવંશી સમાજ, વેપારીઓ તેમજ ગ્રામજનોની બેઠકમાં બે દિવસ સુધી વીરપુર બંધ રાખવા તેમજ ઉપવાસ આંદોલન છેડવાનો નિર્ણય કરવામાં આવ્યો. જલારામ બાપા પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈને આજે જલારામ ચોક ખાતે કેટલાક લોક પ્રતિક ઉપવાસ પર બેઠા છે. બે દિવસ વીરપુર બંધ રહેશે પરંતુ બીમાર લોકોને સારવાર મળી રહે માટે મેડિકલ અને હોસ્પિટલ ચાલુ રાખવામાં આવશે. રોષે ભરાયેલા વીરપુરવાસીઓએ તેમજ સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવી માફી નહીં માંગે તો સૌરાષ્ટ્રભરમાં ધરણાંનું શસ્ત્ર ઉગામવાની ચીમકી ઉચ્ચારી.
વીરપુરવાસીઓની સ્પષ્ટ વાત
જ્ઞાનપ્રકાશ સ્વામીની ટીપ્પણી બાદ વીરપુરના આગેવાનો મૂળ પુસ્તકો સાથે સામે આવ્યા છે. વીરપુરના વેપારી આગેવાન ભરતભાઈ ગઢીયા અને નટવરભાઇ બારૈયાએ વાત કરી. તેમણે કહ્યું કે ભક્ત શ્રી જલારામ પુસ્તક 1947 માં સૌભાગ્ય ચંદ મંગળજી રાજદેવ એ લખ્યું હતું. જેમાં લખેલું છે કે જલારામ બાપાએ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી સદા વ્રત શરૂ કર્યુ છે. અને જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા,તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ છે. આજે પણ જલારામના મંદિરોમાં રામ,લક્ષ્મણ જાનકી અને હનુમાનજી બિરાજમાન છે.
શું છે મામલો
સ્વામીનારાયણ સંપ્રદાય અને તેના સ્વામીઓ તેમના નિવેદનને લઈને હંમેશા વિવાદમાં જોવા મળે છે. હાલમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે તેવી ટિપ્પણી કરી હતી. તેમજ વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે તેમ કહેવા ઉપરાંત વધુ આલાપ કર્યો કે જલારામ બાપા એ સ્વામિનારાયણ મંદિરમાં બહુ લાંબા સમય સુધી રોકાણ કર્યું હતું. જ્ઞાનપ્રકાશ સ્વામીના આ બફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજ્યભરમાં જલારામ બાપાના ભક્તો ક્રોધે ભરાયા. વીરપુર ખાતે જલારામ બાપાના ભક્તોમાં રોષ જોવા મળતાં આંદોલનની ચીમકી ઉચ્ચારી. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધણા વરતાઈ રહ્યા છે.









