નૈરૂત્યના ચોમાસાના આગમન પહેલા જ ભરુચ અને અંકલેશ્વરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ ઠેર ઠેર છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે એ મુજબ જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારના સમયે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આ તરફ્ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારના સમયથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર, જીઆઇડીસી, ગ્રામ્ય વિસ્તાર તેમજ હાંસોટ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સિઝનમાં બીજી વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાનીલકીર જોવા મળી રહી છે.ખાસ કરીને ઉનાળુ ડાંગર બનાવતા ખેડૂતોએ આ માવઠાના કારણે નુકસાની વેઠવાનો આવે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય જતા જન જીવનને વ્યાપક અસર પહોંચી હતી. આ તરફ્ ઝઘડિયા અને હાંસોટમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઝઘડિયા પંથકમાં સવા ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો
ઝઘડિયા : ઝઘડિયા પંથકમાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો. આજે સવારના સમયે અસહ્ય ગરમી બાદ વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સતત એક કલાક વરસેલા વરસાદમાં સવા ઇંચ પાણી ધરતી ઉપર ખાબક્યું હતું. છેલ્લા એક સપ્તાહ પણ ઉપરાંતના સમયથી પડી રહેલી અસહ્ય ગરમીથી છુટકારો મળી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે ચિંતાની લહેર જોવા મળી હતી. ઝઘડિયા પંથકમાં આજે વહેલી સવારના સમયથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારના સમયે અચાનક કાળા ડીબાંગ વાદળોની ફોઝ ધસી આવતા પંથકમાં અંધારુ છવાયું હતુ. કાળા ડીબાંગ વાદળોની વચ્ચે વિજળીના ચમકારા અને વાદળોની ગર્જનાએ બાળકો ગભરાયા હતા. તો જોત જોતામાં જ ધોરધમાર વરસાદ તુટી પડયો હતો. સતત એક કલાકથી વધુ સમય સુધી વરસેલા વરસાદમાં પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નેત્રંગ તા.માં ફરીવાર કમોસમી માવઠું
નેત્રંગ : નેત્રંગ તાલુકામાં ફરીવાર બુધવારે વહેલી સવારે કમોસમી માવઠું થયું હતું. જેને લઈને તાલુકામાં ખેતીમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
નેત્રંગ તાલુકામાં મે માસના પ્રારંભમાં તેજગતિએના વાવાઝોડા સાથે કમોસમી વરસાદી માવઠાના કારણે મગ,કેળ,તરબુચ અને કેરના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. અનેક વૃક્ષો ધરાશાયી થવાની સાથે ઘરના પતરા ઉડતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ છેલ્લા એક સપ્તાહથી ભારે ગરમી પ્રકોપ અને બફારા ના કારણે ગમે ત્યારે વરસાદી માવઠું થવાની શક્યતાઓ જણાઇ રહી હતી. જેમાં ગતરોજ વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.