અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. ત્યારે મોડે મોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હરકતમાં આવ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા જમીનના માલિકો સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઉભા કરવામાં આવે છે જેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. આ અંગે રિજયોનલ ઓફ્સિર વિજય રાખોલીયાએ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે કડક પગલાં ભરાશે.


  • Follow us on: