- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો યથાવત
- બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક પદ સહિતના હોદ્દા પરથી રાજીનામું
- ઓબીસી મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીનું કોગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી ચાલી રહી છે. હવે લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ એક ગાબડું પડ્યું છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. આ સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામુ આપ્યુ છે. આ બંને આવતી કાલે 200 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.
કોંગ્રેસના દિશાવિહીન નેતૃત્વથી પરેશાન
વધુમાં, બળવંત ગઢવી 2022 વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જો કે ભાજપના બાબુ જાદવ સામે તેમની હાર થઈ હતી. રામ મંદિરમાં ન જવાના હાઈકમાન્ડના નિર્ણય બાદ કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. કોંગ્રેસ છોડવા અંગે તેમણે જણાવ્યુ હતું કે, હું ગઢવી સમાજમાંથી આવું છું અને ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ સાથે વધુ ગાઢ નાતો હોય છે. જે અમારી જ્ઞાતિને વધુ પ્રભાવિત કરે છે. ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતો પરંતુ હાઈકમાન્ડના રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં નહીં જવાનો નિર્ણય એ દિશાવિહિન નિર્ણય લાગ્યો જેથી પાર્ટીની દિશા જ જ્યાં નક્કી ન થતી હોય ત્યાં હવે ન રહેવુ જોઈએ તેવુ મને લાગ્યું અને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું ન માત્ર હું પરંતુ મારા સમર્થકો પણ મારી સાથે જોડાવાના છે.
ગઢવી ચારણ સમાજમાં મોટું નામ
ગઢવી ચારણ સમાજમાંથી આવતા બળવંત સિંહનું ગઢવી સમાજમાં મોટુ નામ છે. ગઢવી સમાજ સહિત અનેક જ્ઞાતિઓના નાના-મોટા સંગઠનોમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી સંગઠનનું નેતૃત્વ કરવામાં માહેર છે. યુવા પ્રશાસક તરીકે જાણીતા બળવંતસિંહનું ચારણ સમાજમાં ઘણુ વર્ચસ્વ છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમદાવાદની વટવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. બાવળા તાલુકાના ઢેઢાળના વતની બળવંત ગઢવી રાઈસ મિલના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. તેમના દાદા અને પિતા પણ રાજકારણમાં હતા અને પ્રખર કોંગ્રેસમાં જ હતા. તેમના પિતા ઢેઢાળ ગામના ત્રણવાર સરપંચ રહી ચુક્યા છે. તેમના મોટાભાઈ પણ ઢેઢાળ ગામના ઉપસરપંચ રહી ચુક્યા છે. બળવંતસિંહ ગઢવી વર્ષ 2005માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. જેમા તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લડ્યા જેમા પણ તેમની હાર થઈ હતી.
પૂર્વ ચેરમેન ઘનશ્યામ ગઢવી
તેમજ કોંગ્રેસના OBC સેલના પૂર્વ ચેરમેન ઘનશ્યામ ગઢવીનું પક્ષ છોડવા મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે. OBC સમાજનું કલ્યાણ કોંગ્રેસમાં રહીને કરવું અશક્ય છે. કોંગ્રેસ દિશાવિહીન છે જેના કારણે નેતાઓ જે કામ કરે છે તેના પરિણામ નથી મળતા. પીએમ મોદી ગરીબ માટે પછાત વર્ગ માટે કામ કરી રહ્યા છે તેમનો વિરોધ ન કરી શકાય. કોંગ્રેસ પાસે કોઈ રણનીતિ નથી જેના કારણે મે રાજીનામું આપ્યું છે. પાર્ટીમાં કોઈ શિસ્ત ન હોવાથી પક્ષને નુકસાન થઈ રહ્યું છે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસ પક્ષે લીધેલો નિર્ણય સમાજ માટે આઘાતજનક છે.