- મુખ્યમંત્રીએ મળેલી રજૂઆતો સંદર્ભે નિર્ણય કર્યો
- માત્ર 13 દિવસ બાકી રહ્યા છે ત્યારે નવી જાહેરાત
- એફએસઆઇ મિનિમમ 1.0 હોય તો જ ઇમ્પેક્ટ ફી ધારાનો લાભ મળી શકશે
ગુજરાતમાં 'ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઑફ અનઑથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ' એમેન્ડમેન્ડ એક્ટ-2022 યાને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અત્યારે ઓનલાઇન અરજીઓ સ્વીકારાઈ રહી છે ત્યારે હવે ઓફલાઇન એટલે કે મિલકતધારકો રૂબરૂ આવીને પણ અરજી આપી શકશે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી સમક્ષ ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા ઓફલાઇન પણ અરજીઓ સ્વીકારવા માટે રજૂઆતો થઈ હતી, જેના સંદર્ભે મુખ્યમંત્રીએ આ સકારાત્મક નિર્ણય કર્યો છે. હવે આ નિર્ણયથી તાત્કાલિક અસરથી સંબંધિત કચેરીઓ દ્વારા ઓનલાઇન કે ઑફલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે.
ઇમ્પેક્ટ ફીના નવા કાયદા હેઠળ 16મી ફેબ્રુઆરી-2023 સુધી જ અરજીઓ લેવાની અગાઉ જાહેરાત થઈ ચૂકી છે, એટલે કે અરજીઓ સ્વીકારવા માટે 13 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે ઓનલાઇન ઉપરાંત ઓફલાઇન પણ હવે અરજી સ્વીકારવાનું નક્કી કર્યું છે. રાજ્યમાં ગત 17 ઑક્ટોબર, 2022એ ઉપરોક્ત કાયદા સંદર્ભે સરકારે વટહુકમ બહાર પાડી 1 ઑક્ટોબર, 2022 પહેલાંના તમામ ગેરકાયદે મકાનો-બિલ્ડિંગો નિયમિત કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ છેલ્લા વિધાનસભા સત્રમાં આ સંદર્ભે સુધારા વિધેયક પસાર થયું હતું. સદર કાયદાનો અમલ રાજ્યના તમામ 8 મહાનગરોમાં, તમામ નગરપાલિકાઓમાં તેમજ તમામ અર્બન ઑથોરિટીઓના વિસ્તારોમાં થઈ રહ્યો છે. સરકાર એવું નક્કી કર્યું છે કે, 16 ફેબ્રુઆરી'23 એ પૂર્ણ થતાં 4 મહિનામાં અરજીઓ સ્વીકારવી અને ત્યારબાદના 6 મહિનામાં અરજીઓનો ઇમ્પેક્ટ ફી લઈ નિકાલ કરવો. આ વખતે ઇમ્પેક્ટ ફીના કાયદામાં ત્રણ મુખ્ય સુધારા સરકારે દાખલ કર્યા છે કે, જેમાં બિલ્ડિંગધારક પાસે ઓછામાં ઓછા 50 ટકા પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ, ઇમ્પેક્ટ ફી ઉપરાંત અરજદારે આ વખતે બેટરમેન્ટ ચાર્જ ઉપરાંત 13 જેટલી જુદી જુદી ફી ભરવાની છે, જ્યારે એફએસઆઇ મિનિમમ 1.0 હોય તો જ ઇમ્પેક્ટ ફી ધારાનો લાભ મળી શકશે. એવું જાણવા મળ્યું છે કે આ નિયમોને કારણે ધારણા કરતાં ઓછી અરજીઓ તંત્રને મળી રહી છે.










