ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં જોરદાર વાવાઝોડું ફુંકાયુ હતું. જેના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા તો ઘણી જગ્યાએ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. અરવલ્લીના માલપુરમાં જોરદાર વાવાઝોડાથી નુકસાન થયું હતું. મામલતદાર કચેરીમાં વાવાઝોડાથી વૃક્ષ ધરાશાયી થયા હતા. પાર્કિંગ શેડ પર વૃક્ષ પડતા દીવાલ પણ ધરાશાયી થઈ હતી.
અરવલ્લીના માલપુરમાં વાવાઝોડાથી નુકસાન
રાજ્યમાં ગઈકાલે રાત્રે અચાનક ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું હતું. તેથીઅરવલ્લીના માલપુર ખાતે વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. મામલતદાર કચેરીમાં વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશાયી થયા હતા. પાર્કિંગ શેડ પર વૃક્ષ પડતા દીવાલ પણ ધરાશાયી થઈ હતી. વૃક્ષ પડતા મામલતદારની સરકારી ગાડી તેની નીચે દટાઈ હતી. આ સાથે જ મામલતદાર કચેરી પાસે વીજ પોલ પણ તૂટ્યો થતાં ભારે નુકસાન થયું છે.
વાવાઝોડા સાથે આવેલા વરસાદે સાબરકાંઠા જિલ્લામાં કર્યું ભારે નુકસાન
વાવઝોડા સાથે આવેલા વરસાદે સાબરકાંઠા જિલ્લામા ભારે નુકસાન કર્યુ છે. અનેક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે તો બીજી તરફ નગરપાલિકાના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગને સૂચના આપીને રોડ પરના ઝાડ દૂર કર્યા હતા. માર્ગો ઉપર ઝાડ પડી જતા વાહનચાલકોને અવરોધ થયો હતો અને ઇડરથી ભિલોડા અને ખેડબ્રહ્મા હાઈવે કે અંતરિયાળ જોડતા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વાવાઝોડું સર્જાયુ
વિજયનગરથી પોલો અને ભિલોડાને જોડતો રોડ પર પણ ઝાડ પડવાના અનેક બનાવો બન્યા છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કુલ 254 ઝાડ પડી જવાની ઘટના બની છે. લીમડો, બાવર સહિતના અન્ય નાના મોટા ઝાડ પડી જતા મોટું નુકસાન થયુ છે તો વૃક્ષો ધરાશાયી થતા ઘણા વાહનચાલકો રોડ પર જ વાહન મૂકીને રવાના થયા હતા. તો બીજી તરફ તંત્ર સામાજિક સેવાકીય વ્યક્તિઓ તેમજ સ્થાનિક લોકો ઝાડ હટાવવા માટે કામે લાગ્યા છે.