- શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ
- અમદાવાદમાં આ વર્ષે વરસાદની ઘટ
- શહેરમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં આજે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે.
આજે બપોર સાડા ચાર વાગ્યાની આસપાસ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના વસ્ત્રાપુર, એસજી હાઈવે, સેટેલાઈટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું.
જણાવી દઈએ કે, હવામાન વિભાગે પણ મંગળવારથી અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
સત્તાવાર આંકડા અનુસાર, અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 4.27 ટકા અને જ્યારે જિલ્લામાં 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષના આ સમયગાળા દરમિયાન વરસેલા વરસાદની સરખામણીમાં ઘણો ઓછો છે.










