• એક સમયે ટામેટાં કિલોના રૂ. 260ના વેચાતા હતા
  • ભાવોમાં મોટી વધઘટ થતા વેપારીઓ અને ગૃહિણીઓ પરેશાન
  • ટામેટાંની સાથે ફળો અને કેટલાક લીલા શાકભાજીના ભાવોમાં પણ વધારો

છ માસમાં ટામેટાંના ભાવોમાં મોટી વધઘટ થતા વેપારીઓ અને ગૃહિણીઓ પરેશાન થઈ ગયા છે. એક સમયે ટામેટા હોલસેલમાં રૂ.5 કિલો અને રિટેઈલમાં રૂ.15 કિલો મળતા હતા જે વધીને એક સમયે રૂ.260 કિલો થઈ ગયા હતા. આ પછી ટામેટાં હોલસેલમાં રૂ.6 કિલો અને રિટેઈલમાં રૂ.16 કિલો વેચાતા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં જ ટામેટાંના ભાવો હોલસેલમાં રૂ. 40 કિલો અને રિટેઈલમાં 55 કિલો થઈ ગયા છે. આમ ટામેટાંના અચાનક ભાવો વધતા વેપારીઓ માલની ખરીદી કરવા અને ગૃહિણીઓ વપરાશમાં કાપ મુકી દેવા માટે મજબૂર થયા છે. વેપારીના જણાવ્યા મુજબ હાલ ટામેટાનો જે માલ આવી રહ્યો છે તેમાં ફુટલો માલ વધુ આવી રહ્યો છે જેના લીધે ભાવો વધી ગયાનું જણાવી રહ્યા છે. ટામેટાંની સાથે ફળો અને કેટલાક લીલા શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે.

બીજી તરફ ડુંગળીના ભાવો વધ્યા બાદ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. ડુંગળી હોલસેલમાં રૂ.55 કિલો અને રિટેઈલમાં રૂ.80 કિલો મળી રહી છે. વેપારીના જણાવ્યા મુજબ ડુંગળીની આવક ઓછી હોવાથી તેના ભાવો નજીકના ભવિષ્યમાં ઘટશે નહીં.