- પાંચ વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો
- ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી
- છેલ્લા કેટલાક સમયથી તો ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધુ ફૂલ્યો ફાલ્યો છે
ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો બેરોકટોક કારોબાર થઈ રહ્યો છે, રાષ્ટ્રીય સર્વેના આંકડા અનુસાર રાજ્યમાં 17.35 લાખ જેટલા પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. છેલ્લા કેટલાક સમયથી તો ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધુ ફૂલ્યો ફાલ્યો છે, રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિતની ટેક્નોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, જો પકડાયેલા ડ્રગ્સનો જથ્થો હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? તેને લઈ સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જ્યારે 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93,763 ડ્રગ્સ પીલ્સ ઈન્જેક્શનનો જથ્થો પકડાયો છે. ગુજરાતમાં વિવિધ કારણસર સગીર વયના બાળકો, મહિલાઓનો ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. સૂત્રોના દાવા પ્રમાણે, ગુજરાતમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી, કેન્દ્ર સરકારના અહેવાલને ટાંકીને કહેવાયું છે કે, દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાનની જરૂર છે, જેની સામે હાલ માત્ર 152 પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 174 પોલીસ જવાન હોવા જોઈએ, જેની સામે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછા છે.










