• અધિક શ્રાવણ માસમાં ઉપવાસ કરવા અધિક ખર્ચ કરવો પડશે

  • સફરજન રૂ.320, દાડમ રૂ.300, ચીકુ રૂ.150, કેળા પણ રૂ.75ના ડઝનના ભાવે વેચાય છે
  • ફળોના ભાવમાં ભડકો થતા ભાવિકોને અધિક માસમાં 'અધિક ખર્ચ' કરવો પડશે

આજથી અધિક માસ શ્રાવણ શરૂ થવા સાથે જ ફળોના ભાવમાં ભડકો થતા ભાવિકોને અધિક માસમાં 'અધિક ખર્ચ' કરવો પડશે. છેલ્લા ત્રણ દિવસથી ફળોના ભાવોમાં પણ ભડકો થયો છે. બજારમાં સફરજન રૂ.320, દાડમ રૂ.300, તડબૂચ રૂ.40, ચીકુ રૂ.150, પાઈનેપલ રૂ.65, રોયલ ગાલા સફરજન રૂ.290, લીચી રૂ.280 કિલો, કેળા રૂ.75 ડઝન, ગોલ્ડન કીવી ત્રણ પીસ રૂ.180ના ભાવે મળી રહ્યા છે. આમ ફળોના ભાવો વધી જતા લોકોએ કિલોની જગ્યાએ અઢીસો ગ્રામ કે પછી નંગ નંગ મુજબ ખરીદવાનું ચાલુ કર્યુ છે.

શાકભાજી માર્કેટમાં ટામેટા હોલસેલમાં રૂ.100 થી 130 અને રિટેઈલમાં રૂ.160 થી 200 કિલો વેચાણ થઈ રહ્યા છે. સીમલા મરચા હોલેસલમાં રૂ.95 અને રિટેઈલમાં રૂ.120 થી 130 કિલો મળી રહ્યા છે. આદું, ફુદીનો, કોથમીરના ભાવો અસહ્ય વધી ગયા છે. સામાન્ય દિવસોમાં રૂ.30નું કિલો મળતું આદું આજે રૂ.300નું કિલો, ફુદીનો રૂ.20નો કિલો હતો તે અત્યારે રૂ.100નો કિલો અને કોથમીર રૂ.20ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.200ની કિલો મળી રહી છે. બજારમાં ચાના કપમાં આદું નાંખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ છે. લીલા શાકભાજીના ભાવો ઘટવાનું નામ લેતા નથી. જેના લીધે ગૃહિણીઓ પહેલા 500 ગ્રામ કે કિલો શાકભાજી ખરીદતા હતા તેની જગ્યાએ અઢીસો ગ્રામ શાકભાજી ખરીદવાનું ચાલુ કર્યુ છે. વેપારીઓના જણાવ્યા મુજબ શાક અને ફળની આવક ઓછી આવતી હોવાથી ભાવોમાં ભડકો થયો છે. કેટલાક લોકો સંગ્રહ કરતા હોવાથી પણ ભાવોમાં વધારો થયો છે. શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થતું હતું. આ સેમી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતા હોવાનું રાજનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું છે.


  • Follow us on: