• પહેલી મુલાકાતમાં સેલ્ફી લઈને પછી બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું
  • ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી યુવતીના માતા-પિતાને પણ ધમકાવ્યા
  • યુવતી ઉપર અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યું

છોટા ઉદેપુર જીલ્લાના એક અંતરિયાળ તાલુકાની એક યુવતી સાથે એક યુવકે નામ બદલી મળવા બોલાવીને સેલ્ફી લીધી હતી. જે બાદ એ સેલ્ફી બતાવીને યુવકે યુવતીને બ્લેક મેઇલ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારવાનો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો કિસ્સો સામે આવતા છોટા ઉદેપુર પોલીસે આ નરાધમને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આરોપી બળજબરીથી શારીરિક સબંધ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો 

છોટા ઉદેપુર જીલ્લાના અંતરિયાળ તાલુકા મથકની એક યુવતી ખાનગી નોકરી કરે છે, તે નોકરીએ આવતા જતાં રસ્તામાં ગામનો જ એક યુવક કે જેનું નામ અસગર અલી પારાવાલા છે. જેણે પોતાનું નામ બદલીને અનિલ જયસ્વાલ કહીને યુવતી સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને યુવતીને અવારનવાર ફોન કરતો હતો. અને તે પોતે જીમ સંચાલક હોવાની જાણ કરીને યુવતીને મળવા બોલાવતો હતો. એક દિવસ યુવતી તેને મળવા ગઈ હતી. ત્યારે યુવકે યુવતીની શારીરિક છેડછાડ કરી હતી અને સેલ્ફી ફોટો પાડી લીધો હતો. જે બાદ અસગર અલી પારાવાળા નામાના યુવકે આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને બ્લેક મેઈલ કરીને યુવતીને જયારે જીમમાં કોઈ ન હોય ત્યારે બોલાવતો હતો અને બળજબરીથી શારીરિક સબંધ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો.

આરોપીએ યુવતીના માતાપિતાને પણ ધમકાવ્યા

જે બાદ યુવતીને ખબર પડી હતી કે આ આરોપી અનિલ જયસ્વાલ નહિ પરંતુ અસગર અલી પારાવલા છે અને તેના લગ્ન પણ થયેલા છે. પરંતુ પરિવારના ડર તેમજ સમાજમાં બદનામીના ડરથી યુવતીએ પોલીસ ફરિયાદ કરી ન હતી. આખરે યુવકથી કંટાળીને યુવતીએ પરિવારને જાણ કરતા યુવતીના પિતા સહિત પરિવારજનો અસગરઅલી પારાવાલાના ઘરે જઈને તેને સબંધ ન રાખવા સમજાવ્યું હતું. ત્યારે અસગરઅલી એ ધમકી આપી હતી કે થાય તે કરી લેજો, હું તેને મારી પત્ની બનાવીશ, તેમ કહીને યુવતીનો ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાની પણ ધમકી આપી હતી. અને આબરૂની બીકે પરિવારજનો મુંગે મોઢે ત્રાસ સહન કરતા રહ્યા હતા.

આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી

ગત ૧૮ જુલાઈ ૨૦૨૨ના રોજ યુવતીને આરોપી યુવક બળજબરીપુર્વક લોનાવાલા લઈ જઈ હોટેલમાં રોકાઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બીજા દિવસે લોનાવાલાથી પરત આવી ભોગ બનનાર યુવતીએ પરિવારના સભ્યો સાથે પોલીસ મથકે જઈ નરાધમ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે છોટા ઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા આરોપી યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.