- મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે હેતુથી પાઠ
- રાજકોટ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ
- ચકચારી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષોનો ભોગ લેવાયો
રાજકોટના TRP ગેમઝોન ખાતે 9 બ્રાહ્મણે મૃતકોના આત્માની શાંતિ માટે દૂધ, તલ, પાણી, તુલસી અર્પણ કરી શાંતિ પાઠ કર્યા છે. ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માઓને શાંતિ મળે તે હેતુથી પાઠ કરવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ
રાજકોટમાં 27 નિર્દોષોનો ભોગ લેનાર ચકચારી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરીને તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. ત્યારે, હવે સંદેશ ન્યૂઝ પાસે આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલ FIRની કોપી આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ FIR દાખલ કરી છે. FIRમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધપાકડ કરવામાં આવેલ 6 આરોપીઓ સહિત તપાસમાં જેના જેના નામ ખૂલે તે તમામ લોકો સામે IPCની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસની FIR મુજબ આરોપીઓ સામે IPCની કલમ 304, 308, 337, 338 અને કલમ 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અગ્નિકાંડને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા
રાજકોટ TRP ગેમઝોન ખાતે 25મી મેના રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને અનેક લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર અગ્નિકાંડને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. તો આ અગ્નિકાંડને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે અને SITની રચના પણ કરવામાં આવી છે તો બીજી બાજુ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ અગ્નિકાંડને લઈને પ્રથમ રિપોર્ટ આપ્યો છે અને સરકારને ઘટનાને લઈને ઘણી મહત્વની વિગતો આપી છે.
RP ગેમ ઝોનના એક ઝોનમાં ગો કાર્ટ અને બીજા ઝોનમાં ગેમ ચાલતુ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. કલેક્ટર પ્રભવ જોશીના રિપોર્ટમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવું છે કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તો હાલમાં સારવાર હેઠળ છે. તેમજ, મૃતક 27 લોકોમાંથી 6 લોકોની હજુ ઓળખ થઈ શકી નથી. તો સાથે સાથે રિપોર્ટમાં TRP ગેમઝોનને લઈને પણ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે TRP ગેમ ઝોન 2 પ્લોટની જગ્યામાં ચાલતો હતો. TRP ગેમ ઝોનના એક ઝોનમાં ગો કાર્ટ અને બીજા ઝોનમાં ગેમ ચાલતી હતી.









