• મેલેરિયાના 92, ફાલ્સીપારમના 28, ડેન્ગ્યૂના 142 કેસ

  • હોસ્પિટલોમાં શરદી, ખાંસી, વાઇરલ ફિવરના દર્દીઓની લાઈનો
  • મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો

અમદાવાદમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત થવા સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. નવેમ્બરના 19 દિવસમાં મેલેરિયાના 92 અને ફાલ્સીપારમના 28, ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલટીના 269, કમળાના 71 અને ટાઈફોઈડના 176 કેસ નોંધાવા સાથે પાણીજન્ય રોગચાળો અંકુશમાં જોવા મળે છે. નવેમ્બરના 19 દિવસમાં ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. આમ શહેરમાં રોજના ડેન્ગ્યુના 8 અને કમળાના 4 દર્દી નોંધાયા છે. દિવાળીના તહેવારોને પગલે શહેરમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને સરકારી, મ્યુનિ. હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની કતાર જોવા મળે છે. ગત વર્ષે નવેમ્બરમાં મેલેરિયાના 81 કેસ નોંધાયા હતા અને જ્યારે ચાલુ વર્ષે નવેમ્બરમાં 92 કેસ નોંધાયા છે.

છેલ્લાં કેટલાંક દિવસોથી સવારે ઠંડીના ચમકારો જોવા મળે છે અને બપોરે સાધારણ ગરમી સાથે બેવડી મોસમ અનુભવાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો જોવા મળે છે. શહેરમાં તા. 19 નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના 142 કેસ સાથે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના કુલ 2,373 કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 92, ફાલ્સિપારમના 28 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશન દ્વારા લોહીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે. AMC દ્વારા 50,807 લોહીના નમૂના લેવાયા છે.


  • Follow us on: