- અમદાવાદમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત ગુણવત્તા સંકલ્પનું કર્યું આયોજન
- ગુજરાતમાં અગ્રતા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપને સમર્પિત કોન્ફરન્સ
- વરિષ્ઠ મંત્રીઓ, નિષ્ણાતોએ આરોગ્યસંભાળ, શિક્ષણ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોની મહત્વતા જણાવી
અમદાવાદમાં 11 જુલાઈ 2024ના રોજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)એ ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કર્યું હતું, જે ગુજરાતમાં અગ્રતા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપને સમર્પિત કોન્ફરન્સ હતી. જ્યાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ, નિષ્ણાતોએ આરોગ્યસંભાળ, શિક્ષણ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં જીવનની એકંદર ગુણવત્તામાં વધારો કરવા માટે ગુણવત્તાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
અમદાવાદમાં QCIએ ગુજરાત ગુણવત્તા સંકલ્પનું કર્યું આયોજન
હેલ્થકેર પરના સત્રમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રૂષિકેશ પટેલે QCIને રાજ્યમાં આરોગ્યસંભાળ સંસ્થાઓમાં ગેપ અંગે વિશ્લેષણ હાથ ધરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “અમે ગુજરાતમાં દર્દીઓની સંભાળ સુધારવા માટે આતુર છીએ. હું QCIને વિનંતી કરું છું કે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોનો સર્વે કરે અને ખામીઓ અમારી સાથે શેર કરે. જે અમને વધુ સારી આરોગ્યસંભાળ સેવાઓ અને ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે જરૂરી ફેરફારોને ઓળખવામાં અને અમલમાં મૂકવામાં મદદ કરશે, અને પ્રમાણપત્રો મંજૂર થયા પછી નિયમિત મૂલ્યાંકન કરવાની પણ જરૂર છે.” તેમણે કરોડો નાગરિકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ બનાવવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJYA)ની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન જક્ષય શાહે જણાવ્યું હતું કે, “ગુણવત્તાએ પ્રગતિ અને વિકાસનો પાયો છે અને ગુજરાત ગુણવત્તા સંકલ્પ ઇવેન્ટ તેના પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્ય સરકાર અને ઉદ્યોગના હિતધારકો સાથે મળીને કામ કરી, અમે ગુજરાતના તમામ નાગરિકો માટે સારા ભવિષ્યની ખાતરી કરી, અને જીવનના દરેક પાસામાં ગુણવત્તાયુક્ત વાતાવરણ ઊભુ કરવાનો ધ્યેય રાખીએ છીએ.”
ગુજરાતનો ભારતના ઉદ્યોગોમાં 11 ટકા હિસ્સો: બલવંતસિંહ રાજપૂત
રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતે છેલ્લાં બે દાયકામાં ગુજરાત ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે ઉભરી આવવા અંગે વાત કરી હતી. વઘુમાં શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, “ ગુજરાતનો ભારતના ઉદ્યોગોમાં 11 ટકા હિસ્સો, ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો અને નિકાસમાં 33 ટકા હિસ્સો છે. ગુજરાતે લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા, ઉન્નત કાર્યક્ષમતા લાવવા અને કુશળ માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સક્રિય પગલાં લીધાં છે. રાજ્ય સરકાર ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવા માટે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ”
MSME રાજ્ય મંત્રી જગદીશ પંચાલે સમય, પ્રતિબદ્ધતા અને પારદર્શિતાને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ત્રણ આધારસ્તંભ ગણાવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે ,” જીવનના દરેક પાસામાં ગુણવત્તા જરૂરી છે અને તેને એક ચળવળ તરીકે લેવી જોઇએ.”
જીવનની ગુણવત્તા ત્યારે જ શક્ય, જ્યાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે: હર્ષ સંધવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ તેમના સંબોધનમાં જીવનની ગુણવત્તા માટે શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય સંભાળ સેવાઓ અને રોજગારીની તકો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “જીવનની ગુણવત્તા ત્યારે જ શક્ય છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે, મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે અને ઉદ્યોગો સરળતાથી ચાલે. અમે નાગરિકો માટે સલામત અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ગુજરાત એ સૌથી વિકસીત રાજ્ય છે અને તેમાં સુધારણ માટેના સતત પ્રયત્નોને કારણે એક રોલ મોડેલ છે.”
રાજ્યએ 5G મોડેલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો: CM
કાર્યક્રમના ઉદ્ધાટન સત્રમાં બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યએ 5G મોડેલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છે. જે ગરવુ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત એમ 5G મોડેલમાં ગુણવત્તા ગુજરાતના નવા G ઉમેરવા હાકલ કરી.
ઉત્પાદન પાવરહાઉસને મજબૂત કરવાનો લક્ષ્યાંક
કોન્ફરન્સમાં નિષ્ણાતોએ સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ, ટેક્નોલોજીની મદદથી જીવનની ગુણવત્તામાં વધારો, સસ્તુ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય દ્વારા નાગરિકોને સશક્તિકરણ અને નાગરિક કેન્દ્રિત સેવાઓની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ગુણવત્તાએ પસંદગી નથી પણ એક મજબૂરી છે, ખાસ કરીને જો દેશ ઉત્પાદન પાવરહાઉસ તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
કોન્ફરન્સમાં અગ્રણી વક્તાઓમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ACS અંજુ શર્મા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વીની કુમાર, DGP શમશેર સિંહ ( કાયદો અને વ્યવસ્થા), મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર રાજકુમાર બેનીવાલ, મહેસૂલ વિભાગના ACS MK દાસ, અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મનોજ ખંધાર સહિતના સામેલ થયા હતા.