ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નારીશક્તિ વડાપ્રધાન ઓવારણા લેવા માટે આતુર છે. વડોદરા શહેરમાં સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પધારી રહેલા વડાપ્રધાનને આવકારવા વિવિધ કલા સમુહોએ એરપોર્ટ રોડ ઉપર ભીડ જમાવી છે.
અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ
તેમાં એક અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી છે. ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી.વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઇ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી રહી છે.
સિંદુર સન્માન યાત્રામાં જોવા મળી સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી
ઓપરેશન સિંદુર યાત્રામાં વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા છે. એરપોર્ટ રોડ ઉપર વડોદરા શહેરના એક કલાવૃંદના સભ્યો ભારત માતા, ઝાંસી કી રાની, મહારાણા પ્રતાપ, મંગલ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, દ્રોપદી મુર્મુના પરિવેશમાં પણ જોવા મળ્યા છે.
વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં આકર્ષણ જમાવતા શાસ્ત્રીય નૃત્યો
વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો પણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતીઓ દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે.
આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ
વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં વડાપ્રધાનને આવકારવા, સન્માનિત કરવા મુસ્લિમ સમાજની મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો છે. અહીં વડોદરાની નારીશક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી છે. અને ભારતીય નારીઓના સિંદૂરના રક્ષા નાયકનું સ્વાગત કરવા આતુર છે. આદિજાતિ બાંધવો પોતાની આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ પ્રસ્તુત કરી વડાપ્રધાનનું સ્વાગત કરવા પહોંચ્યા છે.