- અગાઉ લોરેન્સની ગેંગના સાગરીતોએ રાજસ્થાન પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાથી...
- કચ્છમાંથી ઝડપાયેલ 194 કરોડના ડ્રગ્સ કેસમાં બિશ્નોઈની પુછપરછ
- ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત 8 શખ્સોની ધરપકડ ગુજરાત ATSની ટીમે કરી હતી
કચ્છમાં ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈની ટ્રાન્સફર વોરંટથી ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આથી લોરેન્સ બિશ્નોઈને એટીએસ કચેરી લાવવામાં આવ્યો છે. લોરેન્સની પૂછપરછ કરવાને બદલે ગુજરાત એટીએસને પોતાની કચેરી તેમજ ટીમ પર હુમલો ન થાય તેનો ડર સંતાવી રહ્યો છે. આથી એટીએસ કચેરીની ફરતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેતક કમાન્ડો દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ રાજસ્થાન પોલીસે લોરેન્સ ગેંગના સાગરીતોને ઉત્તરપ્રદેશથી પકડીને પરત રાજસ્થાન લઇને આવી રહી હતી ત્યારે લોરેન્સ ગેંગના સાગરીતોએ પોલીસની બંદૂકો ઝૂંટવી લઇને ફાયરિંગ કર્યુ હતુ. લોરેન્સ બિશ્નોઈ અંગે એટીએસના ડીઆઇજી દિપેન ભદ્રનનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.
કચ્છના નલિયામાંથી વર્ષ 2022માં 194 કરોડનું ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત 8 શખ્સોની ધરપકડ ગુજરાત ATSની ટીમે કરી હતી. જેમાં ATSની ટીમે વધુ તપાસ કરતા સામે આવ્યુ કે, આ ડ્રગ્સનો જથ્થો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનથી મંગાવ્યો હતો. જેથી ગુજરાત ATSની ટીમે લોરેન્સની કસ્ટડી માટે પટિયાલા કોર્ટમાં અરજી કરી હતી. આથી પટિયાલા કોર્ટે એટીએસની લોરેન્સની પૂછપરછ કરવા માટે ગુજરાત લઇ જવામાં માટે મંજૂરી આપી હતી. બાદમાં એટીએસની ટીમે ટ્રાન્સફર વોરંટથી લોરેન્સની ધરપકડ કરીને નલિયા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે. જેના પગલે ગેંગસ્ટરની પૂછપરછ કરવાને બદલે ગુજરાત એટીએસ દ્વારા પોતાની કચેરીની ફરતે સુરક્ષામાં વધારે કરીને ચારેય તરફ લોખંડી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લોરેન્સ આવ્યા બાદ એટીએસની દ્વારા કચેરીની ફરતે ડ્રોન ઉડાવીને ચારેય તરફની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યુ છે. બીજી તરફ, પાકિસ્તાન સાથે લોરેન્સના સંપર્કો હોવાનું ખુલતા રૉ, NIA સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ છે.










