- કુતિયાણામાં યુનિયન બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયેલો
- આરોપી પાસેથી કટર મશીન, બાઈક, સ્પ્રે સહિતનો મુદામાલ કબજે કરાયો
- પોલીસે કુલ ચાલીસ હજારનો મુદામાલ કબ્જે કર્યો
પોરબંદર જિલ્લાના કુતિયાણાના દેવડા નાકા વિસ્તારમાં દસ દિવસ પહેલા યુનિયન બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જે મામલે એલસીબીએ સગીર સહીત 3 શખ્સોને ઝડપી લઇ બાઈક, કટર મશીન તથા સ્પ્રે સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
કુતિયાણાના દેવડા નાકે આવેલ યુનિયન બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. જે મામલે બેંકના બ્રાંચ મેનેજર પંકજ કૌશીક ખેડકરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ચોરીના પ્રયાસ અંગે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા. જે મામલે એલસીબી પી.આઈ. એચ.કે. શ્રીમાળી સહીત એલસીબી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એવું સામે આવ્યું હતું કે મૂળ રાજસ્થાનના રાજાખેડા ગામના વતની અને હાલ કુતીયાણાની સાંઢીયા શેરીમાં ભીમભાઇ ઓડેદરાના મકાનમાં ભાડે રહેતા બે શખ્સો પ્રેમશંકર રાજેન્દ્રસિંહ રાઘવ (ઉવ 24)તથા બાલીસિંહ રાધેશ્યામ રાઘવ (ઉ.વ.40) અને અન્ય એક શખ્શ આ ચોરીમાં સંડોવાયેલા છે આથી ત્રણેયની પુછપરછ કરતા તેઓએ એટીએમ તોડવાના પ્રયાસ અંગે કબુલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસે થી રૂ. 4000 ની કીમતનું બેટરીવાળુ કટર મશીન, સીસીટીવી કેમેરા પર છાંટવામાં આવેલ 100ની કિંમતનો સ્પ્રે તથા 15000ની કીમતનું બાઈક અને 20 હજાર ની કીમતના 3 મોબાઈલ મળી ચાલીસ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે, પ્રેમશંકર અગાઉ મસાલા ઢોસાનો વ્યવસાય કર્યો હતો જે ઘણા સમય સુધી ન ચાલતા તેને અઢી લાખ રૂ. ની ખોટ ગઈ હતી. આથી તેમાંથી બહાર નીકળવા એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય શખ્સો હાલ દાબેલીનું ગ્રામ્ય વિસ્તારમાં ફેરી કરી વેચાણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે









