- પોલીસે 70થી વધુ તોફાની તત્વોને રાઉન્ડ અપ કર્યા
- મોડી રાત્ર સુધી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું
- SRP સહિત જિલ્લા પોલીસનો કાફલો ખડકાયો
ગીર-સોમનાથના ઉનામાં ફરી માહોલ તંગ બન્યા બાદ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં ટાળાઓએ પથ્થરમારો કર્યો હતો.જોકે, પોલીસે ફરી એકવાર સ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. ગામમાં બનેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને કાબૂમાં રાખવા માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્તની સાથે SRPની ટીમોને પણ ઉતારવામાં આવી છે.
રામનવમી પર કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સ્થિતિ વણસી હતી. જેના વિરોધમાં શુક્રવારે વિરોધ નોંધાવવામાં આવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે બન્ને કોમના વડાઓએ શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કર્યા હતા.
તણાવ વાળા વિસ્તારમાં SRP સહિત જિલ્લા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
ગીર સોમનાથના ઉનામાં બે અલગ-અલગ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં પત્થરમારાની ઘટના બનતા ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લઈને બન્ને પક્ષોને શાંત પાડ્યા હતા. આ ઘટનાને પગલે શનિવારે દિવસભર ઉના શહેર બંધ રહ્યા બાદ શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.
ઉના શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એસઆરપીની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. શનિવારે સ્થિતિ તંગ હોવાના કારણે શહેરમાં બંધની સ્થિતિ રહી હતી, જેના લીધે ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. પથ્થરમારાની ઘટના બનતા તાત્કાલિક બે અલગ-અલગ વિસ્તારમાં પોલીસે પહોંચીને સ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. બેઠકમાં ગીર સોમનાથ ઈન્ચાર્જ એસપી શ્રીપાલ શૈષ્મા અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં બન્ને કોમના વડા હાજર રહ્યા હતા, જેમાં તેમને શાંતિ સ્થપાય તેવા પ્રયાસો કરવા માટે અપીલ કરાઈ હતી અને અફવા પર ધ્યાન ના આપવા માટે જણાવવામાં આવ્યું હતું.









