•  કોલ સેન્ટરમાં પણ બોગસ બિલિંગ કૌભાંડ જેવો ઘાટ
  • અધિકારીઓના માર્ગદર્શનથી જ ધમધમે 
  • કોલ સેન્ટર કાંડની તપાસ ફરીથી શરૂ થવાની સંભાવના


ઝુંડાલમાં ધમધમતા કોલ સેન્ટર પર સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને સૌરભ વર્મા અને ટીકમ વૈષ્ણવને ઝડપી લીધા હતા. તેઓ 2 વર્ષથી કોલ સેન્ટર ચલાવતા હતા અને ઈન્સ્ટાગ્રામ ઉપર અમેરિકન નાગરિકોની વિગતો મેળવતા હતા.

માત્ર ઝુંડાલમાં જ નહીં, પરંતુ શહેરના છેવાડાના વિસ્તારો અને નવરંગપુરા, વાસણા તેમજ પાલડી અને સેટેલાઈટમાં પણ ઘણા કોલસેન્ટર ધમધમી રહ્યા છે. હવે જે રીતે GSTમાં અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ બોગસ બિલિંગ કૌભાંડ ધમધમી રહ્યું છે, તેવી જ રીતે કોલ સેન્ટરમાં પણ ચોક્કસ અધિકારીઓના માર્ગદર્શન અને દોરી સંચારને આધારે કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. 

ઝુંડાલ સર્કલ પાસે કોલ સેન્ટર શરૂ કરાવવાનો આઈડિયા ડિપાર્ટમેન્ટના અધિકારીનો જ હતો. જેને કારણે બે પોલીસની હદને લઈને બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓ રેડની જવાબદારીમાંથી છટકી જાય. આવી જ રીતે જ્યાં બે પોલીસ સ્ટેશનની હદ ભેગી થતી હોય તેવા બિલ્ડીંગ અને કોમ્પ્લેકસમાં કોલ સેન્ટર ધમધમી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

અમદાવાદમાં બેઠા-બેઠા અમેરિકાના નાગરિકોને લોન આપવાની, ઇન્સ્યોરન્સ આપવાના કે અન્ય કોઈ સુવિધાના નામે તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે, આ કૌભાંડની જાણ જ્યારે અમેરિકાની એફ્બીઆઈને થઈ, ત્યારે તેમણે કોલ સેન્ટર કૌભાંડમાં મદદરૂપ થતાં અમેરિકામાં રહેતા 5 ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી.


ગુજરાત બહાર કોલકાતા, રાજસ્થાન, આસામ, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજયોમાં પકડાતાં કોલ સેન્ટરોના રેલાની તપાસમાં તમામ કોલ સેન્ટરોનું મૂળ અમદાવાદમાં જ હોવાનું ખુલ્યું હતું. તમામ કોલ સેન્ટરોને પ્રોટેક્શન આપવાની જવાબદારી લઈને ફરતા કોલ સેન્ટરના સરદાર સામે આંગળી ચીંધતા અમદાવાદમાંથી ટપોટપ કોલ સેન્ટરો બંધ થવા લાગ્યા હતા, પરંતુ એક વાર ફરી કોલ સેન્ટરો ધમધમતા થઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે.


  • Follow us on: