બહુચરાજીથી કલોલ બ્રોડગેજ રેલવે લાઇન પર ગાયકવાડના સમયના લાઈન ક્રોસ માટેના તમામ રસ્તા અને ફટકો કાઢી દેવામાં આવ્યા છે.
જેમાં દેથલીથી ઇન્દ્રપ વચ્ચે બંને ગામની 700 વીઘા જમીનમાં અવરજવરનો રસ્તો પણ વર્ષ 2022થી બંધ કરી દેવામાં આવેલો હોઈ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆતો પછી પણ પરિણામ નહીં મળતાં રેલવે કમિટીના સભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર અને રેલ તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ છે. અંદાજે ત્રણ વર્ષ પૂર્વે આ રૂટ ઉપર નવીન રેલવે ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી, તે સમયે 61 નંબરનો લાઈન ક્રોસ રસ્તો જે દેથલી અને ઈન્દ્રપ ગામના ખેડૂતોને તેમના ખેતરમાં જવા આવવા માટે બનાવેલો હતો, તે બંધ કરી દેવાયો હતો.
જેને લઈ 9 ફેબ્રુઆરી 2022ના રોજ દેથલીના ખેડૂતોએ રેલવેની કામગીરી સામે દેખાવ પ્રદર્શન કરતાં રેલવે તંત્ર કામે લાગ્યું હતું અને રાજ્ય અને કેન્દ્ર સરકારના રેલવેના અધિકારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં પંચકામ કરાયું હતું.અને સમસ્યાના ઉકેલ માટે એક વ્યવસ્થા નક્કી થઈ હતી, તે વ્યવસ્થા આજ દિન સુધી રેલ કંપની દ્વારા પૂરી કરાઈ નથી. નવા રેલ્વે ટ્રેક ઉપર માલગાડી પણ ચાલુ થઈ ગઈ છે. અને ટૂંક સમયમાં મુસાફર ટ્રેન પણ શરૂ થનાર છે.ત્યારે ખેડૂતોના અધિકારોનું પણ જતન થાય તેવું વિસ્તારના ખેડૂતો ઈચ્છી રહ્યાં છે. આ બાબતે પ્રતાપનગરના વતની અને રેલવેની ઝેડઆરયુસીસી કમિટીના સભ્ય ગોવિંદભાઈ પટેલે ખેતરમાં અવર જવર માટેનો રસ્તો બનાવવા જિલ્લા કલેક્ટર અને રેલવે ટ્રેક મેનેજર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.