- બિપરજોયની કળ વળી નથી ત્યાં ખેડૂતોને ફરી નુકસાન થયું
- ખેતરોમાં ઢળી પડેલી બાજરી ફરી ઉગી નીકળી
- બાજરી અને જુવારનો પાક જમીનદોસ્ત થઈ ગયો
લાખણી સહિત સરહદી પંથકમાં પાછોતરા ભારે વરસાદથી બાજરી અને જુવારના ઉભા પાકોને વ્યાપક નુકસાન થયું છે. જે ખેતરોમાં ઢળી પડેલી બાજરી ફરી ઉગી નીકળી છે. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં બાજરી મુખ્ય ખાદ્યાન્ન પાક ગણાય છે. તેથી તેનું ઉનાળુ અને ચોમાસુ સીઝન એમ બે વખત વાવેતર થાય છે. જેમાં પણ લાખણી, થરાદ, વાવ અને સુઇગામ તાલુકામાં બાજરીનું મોટાપાયે વાવેતર થાય છે. જિલ્લામાં આ વખતે ચોમાસું સિઝનમાં 1,32,203 હેકટર જમીનમાં બાજરીનું વાવેતર થયું છે. પ્રારંભે વાવણી લાયક વરસાદ બાદ ત્રણ રાઉન્ડમાં ભરપૂર વરસાદ થતાં બાજરીનો પાક ખીલી ઉઠયો હતો પરંતુ પાછળથી વરસાદ ખેંચાઈ ગયો હતો. તેમ છતાં ખેડૂતોએ મથામણ કરી પાક તૈયાર કર્યો હતો પણ ભારે વરસાદથી બાજરી અને જુવારનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે જ્યારે કાપણી કરેલ પાક બગડી ગયો છે. તેમાં પણ ખેતરોમાં પડેલી બાજરી ફરી ઉગી નીકળતા દાણા સહિત તેનો ઘાસચારો પણ બગડી ગયો છે. ખેડૂતોને ઉનાળુ સિઝનમાં પણ કાપણીના ખરા સમયે બિપરજોય વાવાઝોડું નડયું હતું તેથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જેના નુકસાનની હજી કળ વળી નથી ત્યાં કુદરતની ફરી ક્રુર થપાટથી ધરતીપુત્રોની હાલત કફેડી બની ગઈ છે.










