બનાસકાંઠાના ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. આજે ભાભરના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસતાક દિનની ઉજવણીમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેનનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું કે આજે પણ અનામત માથાનો દુખાવો બની રહ્યો છે, વોટ બેન્ક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે. ભાભર નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં નૌકાબેન પ્રજાપતિનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.
ભાજપના પ્રદેશ મંત્રીના નિવેદન પર કોંગ્રેસે આપી ધારદાર પ્રતિક્રિયા
બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા પાર્થીવરાજ કઠવાડિયાએ કહ્યું કે આ નિવેદન જ સમાનતાની સામે મનુવાદી વિચારધારા દર્શાવે છે અને સંવિધાન બદલવાની વાત સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. જ્ઞાતિવાદનો ઉમેરો કરવો હોય એવુ સ્પષ્ટ આ નિવેદન પરથી દેખાઈ રહ્યું છે. આ સંઘની વિચારધારાનું સ્પષ્ટ ઉદાહરણ છે. જે ભાજપના નેતાઓ હવે ધીમેધીમે લોકોની સામે બોલી રહ્યા છે.
નૌકાબેનના નિવેદન પર મુકેશ ચૌહાણની પ્રતિક્રિયા
અનામત મુદ્દે બનાસકાંઠા કોંગ્રેસ નેતા મુકેશ ચૌહાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે. નૌકાબેનના નિવેદન પર મુકેશ ચૌહાણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દલિત સમાજનું નહીં પણ બાબાસાહેબનું અપમાન છે. પ્રજાસત્તાક દિને બંધારણ અમલમાં આવ્યું હતું. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપના વિચાર અને વાણીમાં ફેર છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરનું નિવેદન
ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે આ અંગે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં ભાજપની અનામત વિરોધી નીતિ છે. અનામતની વાતથી ભાજપ નેતાઓના પેટમાં તેલ રેડાય છે, ભાજપ SC, ST, OBCના અનામતનું વિરોધી છે.









