- દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
- ગુજરાતમાં મેઘરાજાના મંડાણ
- લાખણીમાં 11 ઈંચ વરસાદ
રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. છેલ્લા અઠવાડીયા દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા બાદ આજથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા હતા. આજે રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 165થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. તેવામાં બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
લાખણીમાં 11 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા ગુજરાતમાં મહેરબાન થયા છે. બનાસકાંઠા લાખણીમાં આજે 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. લાખણીમાં આજના દિવસમાં 11 ઈંચ વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને નર્મદામાં વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.









