બનાસકાંઠાના પાંજરાપોળની એક હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. ડીસાના બળોધ ગામમાં 36 ગાયોના મોતથી હડકંપ મચી જવા પામ્યો છે. પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોત થયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભીલડીયાજી પાંજરાપોળમાં ઘાસચારો ખાધા બાદ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ભીલડીયાજી પાંજરાપોળમાં 36 ગાયોના મોત

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લીલો ઘાસચારો ખરાબ થઈ ગયો હતો. છતાં પણ આ ઘાસચારો ગાયોને આપવામાં આવતા મૃત્યું નિપજ્યું હોઈ શકે. ભીલડીયાજી પાંજરાપોળમાં 36 ગાયોના મોતથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

અન્ય ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર

પશુધન નિરીક્ષક તબીબોએ ગાયોનું પોસ્ટમાર્ટમ કરીને ખુલાસો કર્યો છે કે, ગરમીના કારણે બફાઈ ગયેલો લીલો ઘાસચારો ખાધો હોવાની 36 ગાયોના મોત થયા છે. સાથે જ ડીસાના પાંજરાપોળમાં રહેલી ગાયોના મોતના સમાચાર સાંભળતા જ સંચાલકો સહિત તંત્ર પણ દોડતું થયું હતું. તો બીજી અન્ય ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી છે.
વાવમાં ગૌશાળામાં 20 ગાયના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની વાત સામે આવી હતી. જેમાં ગાય એરંડા ખાઈ જતા ફૂડપોઝનિંગ થયાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું હતું. બુકાણા ગામની ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ત્યાર બાદ તંત્રની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પશુ પાલન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી.

  • Follow us on: