- દાંતાની પાંછા શાળાના ચાલુ નોકરીએ શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા
- બનાસકાંઠા DPEOએ શિક્ષણ નિયામકને ખુલાસો આપ્યો
- નોટિસ બાદ શિક્ષિકા તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો
બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમા પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી, ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે.
ભાવનાબેન વિદેશમાં સ્થાયી થયા છે
બનાસકાંઠા જિલ્લમાં ચાલુ નોકરીએ શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. દાંતા તાલુકાની પાંછા શાળાના શિક્ષિકા ચાલુ નોકરી દરમિયાન અમેરિકામાં સ્થાયી થયા છે. પાંછા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ભાવના પટેલ છેલ્લા 8 મહિનાથી શાળામાં ગેરહાજર રહ્યા છે. સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિક્ષિકા છેલ્લા 8 મહિનાથી શાળામાં ગેરહાજર
સમગ્ર મામલો સામે આવતા તપાસ હાથ ધરવામાં આવતા પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ અવારનવાર ખૂબ જ લાંબી રજાઓ પર રહેલ હોય તેવું માલુમ પડ્યું હતું. તેમજ શિક્ષિકા દ્વારા રજા રિપોર્ટ આપ્યા બાદ છેલ્લા 8 મહિનાથી શાળામાં ગેરહાજર રહ્યા છે. તેમ છતાં પણ શિક્ષિકાનો પગાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.
શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી
તાલુકા શિક્ષણાધિકારી દ્વારા પાંછા શાળાની મુલાકાત દરમિયાન શિક્ષિકા ગેરહાજર હોવાથી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. પાંછા શાળાના શિક્ષિકા ભાવના પટેલ ગેરહાજર રહેતા 21 મેના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ બાદ શિક્ષિકા દ્વારા ટપાલ મારફતે ખુલાસો આપવામાં આવ્યો હતો. જોકે, શિક્ષિકાએ આપેલા ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો.
નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
આ અંગે DPEOએ જણાવ્યું હતું કે, પાંછા શાળાના શિક્ષિકા ભાવના પટેલ ગેરહાજર રહેવા બાબતે વહીવટી વિભાગના નિયમો અને નાણા વિભાગની જોગવાઈઓ મુજબ ગેરહાજર રહેવા બાબતે કડક પગલા લેવામાં આવશે તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
તંત્ર દ્વારા ગેરહાજર શિક્ષિકાને નોટીસ આપવામાં આવી
ઈન્ચાર્જ આચાર્ય પારુલબેને કહ્યું કે શિક્ષણ વિભાગને અને જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે છતાં કોઈપણ કાર્યવાહી કરવામા આવી નથી. ગુજરાત શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે જે બેન 8 મહિનાથી ગેરહાજર છે તેમને નોટિસ આપવામા આવી છે અને ગેરહાજરી દરમ્યાન કોઈપણ પગાર ચૂકવવામા આવ્યો નથી.









