બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ભાભર તાલુકા સાથે જોડાયેલ માત્ર બે કિમી અંતરના બે ગ્રામીણ વિસ્તારમાં એક સાથે મંદિરોને ચોર ટોળકીએ ટાર્ગેટ બનાવી મસમોટી રકમની કિંમતના દાગીનાની ચોરી કરી રાતોરાત પલાયન થઈ જતાં સ્થાનિક પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠયા છે.
એક બાજુ દિયોદર તાલુકાના ધ્રાડવ અને બીજી તરફ્ ભાભર તાલુકાના કુવાળા ગામે મંદિરમાં ચોરી થઈ છે. જ્યાં માત્ર બે કિમી અંતરમાં આવેલ ગામોમાં ચોરી થતાં તસ્કર ટોળકી એક જ હોવાનું અનુમાન છે. પણ જ્યાં સીસીટીવી ફૂટેજના હોવાના કારણે પોલીસ પણ તપાસમાં મૂંઝવણમાં મુકાઈ છે.
દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે આવેલ ગઢાના ગોગા મહારાજના મંદિરમાં શનિવાર રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી દરવાજાના નકૂચા તોડી મંદિરમાંથી ગોગા મહારાજની મુર્તિ તેમજ સિકોતર માતાજીની મૂર્તિનું એક છતર તેમજ અન્ય ચાંદીની ચીજવસ્તુઓ તેમજ ભાભર તાલુકાના કુવાળા ગામે આવેલ સિકોતર માતાજીનું મંદિર અને ગોગા મંદિરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ત્રણ તોલા સોનાનું છતર અને હાર તેમજ માતાજીનો મુગટ તેમજ ચાંદીના છતર અને મૂર્તિ અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરીને તસ્કર ટોળકી ફરાર ગઈ છે. રવિવારે વહેલી સવારે બંને અલગ અલગ ઘટનાની જાણ દિયોદર અને ભાભર પોલીસને કરાતા બંને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે બંને ગામોની મુલાકાત લેતા માત્ર બે કિમી અંતરમાં એક જ ચોર ટોળકીએ મંદિરોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. એક તરફ્ ભાભર પોલીસ પણ દિયોદર તેમજ દિયોદર પોલીસ પણ ભાભરમાં તપાસનો દોર શરૂ કરી દીધો છે. દિવાળી જેવા પર્વ ટાણે જ તસ્કરોએ બંને તાલુકા ગ્રામ્યમાં મંદિરોને નિશાન બનાવીને હાથફેરો કરતા ગ્રામ્ય પ્રજામાં પણ ફફડાટની લાગણી પ્રસરી છે. તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માગ ઉઠવા પામી છે.