- વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર ટેક્સ લાગશે નહીં, તબીબી સારવાર, વ્યવસાય, શિક્ષણ મોંઘું થશે
- ત્રણ મહિનાના વિલંબ બાદ LRS હેઠળ TCS વસૂલાશે
- તમામ ટોચના ધિરાણકર્તાઓ સરકારના નિર્દેશનો અમલ કરવા તૈયાર
વિદેશના રેમિટન્સ પર સરકારે 20 ટેક્સ કલેક્શન એટ સોર્સ નાખ્યા બાદ આગામી 1 ઓક્ટોબરથી બેન્કો વસૂલ કરવા માટે તૈયાર છે. ત્રણ મહિનાના વિલંબ બાદ લિબરલાઈઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ 20 ટકા ટીસીએસ વિવિધ આંતરરાષ્ટ્રીય ખર્ચાઓ જેવા કે વિદેશ પ્રવાસના પેકેજ, તબીબી સારવાર, વ્યવસાય, શિક્ષણ, તીર્થયાત્રાને લગતી મુસાફરી, વ્યક્તિગત ભેંટો, દાન, કુટુંબની જાળવણી અને રોકાણોનો સમાવેશ થાય છે.
ટીસીએસ મૂળ 1 જુલાઇ, 2023થી અમલમાં આવવાનો હતો. પરંતુ ગ્રાહકોના વિરોધને પગલે નિર્ણય 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બેંકોએ તેમની સિસ્ટમ તૈયાર કરવા માટે સમય માંગ્યો હતો. બેંકો અને ક્રેડિટ કાર્ડ નેટવર્ક્સે બેંકોના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી વ્યાપક ફેરફરો કરવા પડે તેમ હોય આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ પર TCSના અમલીકરણ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
તમામ ટોચના ધિરાણકર્તાઓ સરકારના નિર્દેશનો અમલ કરવા તૈયાર છે. રાષ્ટ્રીયકૃત બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકે નવા TCS દરો રોલ આઉટ કરવા માટે IT સિસ્ટમમાં મૂકી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. ચાર બકેટ છે અને તે મુજબ IT સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. LRS હેઠળ સગીર સહિત તમામ નિવાસી વ્યક્તિઓ RBIની પૂર્વ મંજૂરી વિના દર વર્ષે US 250,000 (અંદાજે રૂ.2.07 કરોડ) સુધી વિદેશમાં મોકલી શકે છે.
LRS હેઠળ સૂચિત TCS દરો મુજબ વિદેશી ટૂર પેકેજ ઉપર પાંચ ટકાની સરખામણીએ 1 ઓક્ટોબરથી 20 ટકાનો દર લાગુ પડશે. જોકે, વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર TCS વસૂલવામાં આવશે નહીં. એક ખાનગી બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચ પર ટીસીએસ 1 ઓક્ટોબરથી લાગુ નહીં થાય. આ નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો છે. જો કે, શિક્ષણ માટે જ્યાં ભંડોળનો સ્ત્રોત લોન છે ત્યાં વ્યક્તિ દીઠ વાર્ષિક રૂ.7 લાખથી ઓછી રકમ માટે ટીસીએસ લાગુ નહીં થાય. 7 લાખ જેટલી અથવા તેનાથી વધુ રકમ માટે TCS 0.5 ટકા હશે. શિક્ષણ હેતુઓ માટે જ્યાં સ્વ-ભંડોળમાં રૂ.7 લાખથી ઓછી રકમ માટે TCS વસૂલવામાં આવશે નહીં, પરંતુ રૂ.7 લાખ અને તેથી વધુ રકમ માટે 5 ટકા TCS દર ચાલુ રહેશે.
જૂનમાં 3.89 બિલિયન ડોલર આઉટફ્લો ઘટીને 2.359 બિલિયન થયો
રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાના ડેટા અનુસાર RBIના LRS હેઠળ ફ્ંડ આઉટફ્લો જે જૂનમાં $3.89 બિલિયન હતો તે આ વર્ષે જુલાઈમાં ઘટીને $2.359 બિલિયન થઈ ગયો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં નિવાસી વ્યક્તિઓ માટે LRS હેઠળ કુલ આઉટવર્ડ રેમિટન્સ $11.47 બિલિયન હતું. 2022-23માં કુલ રેમિટન્સ $27.14 બિલિયન હતું.
કુલ રેમિટન્સમાં મુસાફરીનો હિસ્સો 50 ટકાથી વધુ
કુલ રેમિટન્સમાં મુસાફરીનો હિસ્સો 50 ટકાથી વધુ છે. 2022-23માં પ્રવાસીઓએ LRS હેઠળ $13.66 બિલિયન ઉપાડયા હતા. 2023-24ના બજેટમાં શિક્ષણ અને તબીબી સારવાર સિવાયના તમામ હેતુઓ માટે TCS રેટ 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત વિદેશી પ્રવાસ પેકેજો માટે સરકારે 1 જુલાઈથી અમલમાં આવતા કોઈપણ મર્યાદા વિના TCS દર 5 ટકાથી વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
FEMAના નિયમોમાં સુધારો કરી ક્રેડિટ કાર્ડના ખર્ચને એલઆરએસ હેઠળ લવાયો
16 મેના રોજ કેન્દ્રએ ફેરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળના નિયમોમાં સુધારો કરી આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચને LRS હેઠળ લાવ્યો હતો. પરિણામે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ પર ખર્ચ કરવા પર 1 જુલાઈથી 20 ટકાના દરે TCSનો ઊંચો દર લાગુ થયો હતો. જો કે, 19 મેના રોજ સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિ દ્વારા તેમના આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ ચુકવણી નાણાકીય વર્ષ દીઠ રૂ.7 લાખને LRS મર્યાદામાંથી બાકાત રાખવામાં આવશે તેમાં કોઈપણ TCS લાગુ નહીં થાય.