બોટાદ જિલ્લાના બરવાળામાં નગરપાલિકાના વાંકે માર્કેટીંગ યાર્ડ, રાવળ શેરી બહાર તેમજ ભરવાડ શેરી પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ થઈ જવાના કારણે ભૂગર્ભ ગટરના ગંદા પાણી રહેણાંકના મકાનમાં, રોડ, રસ્તા ઉપર ફરી વળ્યા છે. ભૂગર્ભ ગટરના સમસ્યાના નિરાકરણ અંગે બરવાળા નગરપાલિકા વિસ્તારમાં અનેકવાર ફરિયાદ કરવા છતાં નીંભર તંત્રના કાને ફરિયાદ સંભળાતી નથી અને દુર્ગંધ મારતા ગંદા પાણી ફરી વળ્યા તે દેખાતા નથી.


જેના કારણે બરવાળા નગરપાલિકા સામે રહીશોમાં ઘેરો રોષ વ્યાપી ગયો છે. બરવાળા નગરપાલિકાના રોકડિયા હનુમાનજી મંદિર પાછળ માર્કેટિંગ યાર્ડ પાસે, રાવળશેરી બહાર તેમજ મહાવીરજીન પાછળ ભરવાડ શેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાઈપ લાઈન ચોકઅપ થઇ જવાની ફરિયાદો રહીશો દ્વારા નગરપાલિકામાં કરવામાં આવેલ છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા રહીશોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં નહીં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ-રસ્તા તેમજ ઘરમાં ફરી વળતા રહીશોને દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જેના કારણે રાહદારીઓ તેમજ રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.આ અંગે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરી ભૂગર્ભ ગટરના પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવા લોકોમાં માંગ ઊઠવા પામી છે.


  • Follow us on: