બાવળા નગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ ભાજપના 14 વિજયી ઉમેદવારો બસપાના એક વિજયી ઉમેદવાર સાથે 18 દિવસના અજ્ઞાતવાસ બાદ તા.5મીને બુધવારના રોજ પાલિકા ખાતેના સભાગૃહમાં હજાર થયા હતા અને ફરીથી ભાજપે બાવળા પાલિકામાં સત્તા હાંસલ કરી હતી.
સભાગૃહમાં પ્રાંત અધિકારી અને પાલિકા ચીફ ઓફ્સિરની હાજરીમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદાઓ પર વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા સત્તા મેળવતા તેની ઉજવણીરૂપે તા. 6ઠ્ઠીએ પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સત્તા મેળવ્યાંને હજુ એક દિવસ પણ પૂરો ન થયો હતો ત્યારે બાવળા ભાજપમાં ભડકો થયો હતો પાલિકાની ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા 14 સભ્યોમાંથી પદગ્રહણ સમારોહમાં 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ સાણંદ - બાવળાના ધારાસભ્ય અને બાવળા ભાજપ સંગઠન દ્વારા બારોબાર પાલિકાના હોદ્દાઓ થોપી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગેરહાજર રહેલા 6 નગરસેવકો હોદ્દાઓની ફાળવણી મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પાલિકામાં આપવામાં આવેલા હોદ્દાઓ અંગે તેમને કોઈ જાણકારી આપવામાં આવી નથી કે તે અંગે કોઈ તેમની કોઈ સહમતી લેવામાં કે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એક તો બસપાના વિજયી ઉમેદવારને ભાજપે પોતાની તરફ લઈ સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાના પક્ષના જ વિજયી 6 નગરસેવકોએ વિરોધનો વંટોળ શરુ કર્યો છે. તેવામાં ભાજપ સત્તા ટકાવી રાખશે કે કેમ તે જોવાનું રહ્યું છે.










