બાવળાની સીટીસર્વે કચેરી ખાતે તા. 27મીએ નકલ પ્રમાણિત કરવા માટે રૂ. 5,000ની લાંચ લેતા એક વચેટિયો એસીબીના છટકામાં ઝડપાયો હતો. જિલ્લા એસીબીએ કુલ બે શખ્સો વિરુદ્ધ ફ્રિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બાવળામાં સિટી સર્વે કચેરી ખાતે ફરિયાદી ની એનએ થયેલી જમીનની સિટી સર્વે કચેરી બાવળા ખાતે કાચી નોંધ પડયા બાદ નોંધ પ્રમાણિત કરવાના કામ અર્થે આરોપી નં.2 મનસુખભાઈ સોમાભાઈ ઠાકોર દ્વારા ફરિયાદી સાથે વાતચીત કરી રૂ.5,000ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચના નાણાં તા.27મીએ આપી જવાનો વાયદો કર્યો હતો. જ્યારે ફ્રિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એથી એસીબી શાખાના ટેપિંગ અધિકારી એન. એન. જાદવ દ્વારા ફરિયાદ આધારે બાવળા ખાતેની કચેરીમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન મનસુખભાઈએ ફ્રિયાદી પાસે રૂ.5,000ની લાંચની માગણી કરતા તેમણે રકમ આપી હતી. અનેપંકજભાઈ એમ. પટેલ મેઈન્ટેન્સ સર્વેયર સિટી સર્વે કચેરી, બાવળાનાને પંચની હાજરીમાં રકમ મળી જવા બાબતે મોબાઈલ ફેન કરી સ્પિકર ઉપર વાત કરતા તેમણે સમર્થનકારક વાતચીત કરી હતી. એસીબીએ મનસુખભાઈને સ્થળ ઉપર ઝડપી પાડયો હતો. જ્યારે કચેરીમાં પંકજભાઈ હાજર મળી આવ્યા ન હતા. એથી એસીબીના સુપરવિઝન અધિકારી કે. બી. ચુડાસમા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.










