સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા જારી છે. પરંતુ ખરીદ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાની ફરિયાદો સાથે ખરીદ કેન્દ્રો વધારવાની ખેડૂતોમાંથી માગણીઓ ઉઠી હતી.


આ અંગે સંદેશ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ અરવલ્લીના બાયડ તાલુકામાં તેનપુર ખાતે વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ કરાતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. બજારની સરખામણીએ પ્રતિ મણ રૂ.1356.60નો ભાવ મળતો હોઇ ખેડૂતોએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. પરંતુ બીજી તરફ ખરીદ પ્રક્રિયા નિર્ધારિત તારીખ કરતાં પણ ચાર-પાંચ દિવસ પછી શરૂ થઇ હતી. તેમાં પણ ખરીદી ધીમી ગતિએ થઇ રહી હોવાની ખેડૂતોમાંથી ફરિયાદો ઉઠી હતી. ખેડૂતોએ ખરીદીના કેન્દ્રો પણ વધારવાની માગણી કરી હતી. ખેતીવાડી વિભાગના સત્તાવાર સુત્રો પ્રમાણે અરવલ્લી જિલ્લામાંથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે 8640 ખેડૂતોએ નોંધણી કરાવેલી છે. જેમાં તા. 21મી ડિસેમ્બર 2024ના આંકડાઓ પ્રમાણે કુલ 2801 જેટલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. ટકાવારીની દૃષ્ટિએ ખરીદી 32.76 ટકા થઇ છે. આ જ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાંથી કુલ નવ ખરીદ કેન્દ્રો પર ખરીદી જારી છે. જ્યાં 10,922 નોંધણી સામે 4,632 ખેડૂતો પાસેથી આજની તારીખ સુધીમાં ખરીદી કરવામાં આવી છે. જે ટકાવારીની દૃષ્ટિએ 37 ટકા આસપાસ થવા જાય છે. બંન્ને જિલ્લામાં કુલ નોંધણી સામે સરેરાશ 35 ટકા ખરીદી કરવામાં આવી છે. બાયડ જેવા તાલુકાઓમાં રજીસ્ટ્રેશન વધુ થયું હોઇ ખરીદ પ્રક્રિયામાં ઝડપ લાવવા સાથે કેન્દ્રોની સંખ્યા વધારવા પણ માગણી થઇ હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નોંધણી વધુ થઇ હોય તેવા તાલુકાઓમાં ખરીદ કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવે તો જ સમયસર ખરીદીની પ્રક્રિયા આટોપી શકાશે. આ અંગે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બાયડ માર્કેટયાર્ડ ઉપરાંત બાયડ તાલુકાના તેનપુર સબ યાર્ડ ખાતે શુક્રવારથી મગફળીનું વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવતાં ખેડૂતોને રાહત થઇ છે. બાયડ તાલુકાના પિૃમ ગાળાના ગામડાઓમાંથી ધરતીપુત્રોને છેક બાયડ માર્કેટયાર્ડ સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. ખેડૂતોએ સંદેશનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જ પ્રમાણે બંન્ને જિલ્લાના જે તાલુકાઓમાં નોંધણી વધુ થઇ હોય તેવા તાલુકાઓમાં પણ ખરીદીના નવા કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોમાંથી માગણીઓ ઉઠી છે.

અરવલ્લી જિલ્લામાં કપાસની ખરીદીનું કેન્દ્ર નહીં !!!

મગફળીની જેમ જ ટેકાના ભાવે કપાસની સીસીઆઇ(કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ખરીદી ગત ઓક્ટોબર 2024થી શરૂ થઇ છે. અરવલ્લી જિલ્લામાં કપાસ કરતા ખેડૂતોની સંખ્યા ઘણી મોટી છે. આ અંગે અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી પી.ડી. પરમારનો ટેલિફોનિક સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાં સીસીઆઇનું ખરીદ કેન્દ્ર નથી. જો કે સુત્રો મુજબ સીસીઆઇનું કપાસનું ખરીદ કેન્દ્ર સાબરકાંઠા જિલ્લામાં છે. ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા નાના ખેડૂતોને સીસીઆઇને કપાસ ટેકાના ભાવે વેચવો છે પણ અહીં જિલ્લામાં કેન્દ્ર ન હોવાથી મુશ્કેલી સર્જાઇ છે. ખેડૂતોને બીજા જિલ્લા સુધી ભાડા ખર્ચી લાંબા થવું પડી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગણીઓ ઉઠી છે.

બંને જિલ્લામાં ખેડૂતોને કુલ રૂ. 6244 લાખ ચૂકવાયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી જારી છે. અરવલ્લીમાં 7 તેમજ સાબરકાંઠામાં 9 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરાયા છે. બંન્ને જિલ્લામાંથી કુલ 19562 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જેની સામે 7433 ખેડૂતો પાસેથી માલ ખરીદવામાં આવ્યો છે. આજે તા.21 ડિસેમ્બર સુધીમાં બંન્ને જિલ્લામાં થઇને 35 ટકા ખરીદી થઇ છે. એટલું જ નહીં કુલ 181246.562 ક્વિન્ટલ માલ ખરીદવામાં આવ્યો છે. જે પેટે બંન્ને જિલ્લામાં ખેડૂતોને કુલ રૂ. 6244.53 લાખની રકમ ચૂકવી પણ દેવામાં આવી છે. જેમ જેમ ખરીદી પ્રક્રિયા થતી જશે તેમ તેમ ખેડૂતોના બેંક ખાતામાં રકમ આવતી જશે તેવું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે તા. 11મી નવેમ્બર 2024થી શરૂ થયેલી ખરીદી પ્રક્રિયા તે તારીખથી 90 દિવસ ચાલવાની છે.


  • Follow us on: