આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ તેવર બતાવવાનું શરૂ કરતાં ઉનાળો આકરો બનવાનાં એંધાણ પ્રવર્તી રહ્યા છે. ત્યારે ગરમીના દિવસોમાં જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ જિલ્લાના સિંચાઇ વિભાગ પાસે જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રખાવતો હોય છે.
આ વર્ષે ફેબ્રુઆરીથી ઓગષ્ટ દરમિયાન દૈનિક 70.7 એમએલડીની જરૂરિયાત પ્રમાણે જથ્થો ઉપાડવામાં આવનાર છે. જિલ્લાનો પાણી પુરવઠા વિભાગ દ્વારા દર વર્ષે ઉનાળાના આગમન પહેલાં ફેબ્રુઆરીના બીજા-ત્રીજા સપ્તાહ સુધીમાં જિલ્લાના ચાર મોટા જળાશયોમાંથી નાગરિકોને પુરા પડાતા પીવાના પાણીના જથ્થાની જરૂરિયાતને અનુલક્ષીને અંદાજ તૈયાર કરીને સિંચાઇ વિભાગને મોકલી અપાતો હોય છે. આ વર્ષે પણ તા. 21 ફેબ્રુઆરીથી 31 ઓગસ્ટ 2025 દરમિયાન જળાશયોમાંથી પીવાના પાણી માટે ઉપાડવામાં આવનારા જથ્થાનો અંદાજ પાણી પુરવઠા વિભાગની વાર્ષિક જરૂરિયાતના હિસાબે તૈયાર કરાયો હોવાનું સિંચાઇ વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. જે અનુસાર વાત્રક, માઝમ, હાથમતી તેમજ મેશ્વો ડેમમાં દૈનિક 70.7 એમએલડી (મિલિયન લિટર્સ પર ડે) પીવાના પાણીનો અંદાજિત જથ્થો રિઝર્વ રાખવા માટે સિંચાઇ વિભાગે તૈયારી આરંભી છે. દર વર્ષે માગ અલગ અલગ હોય છે. વર્ષ 2023માં આ ચારેય જળાશયોમાંથી દૈનિક 94.61 એમએલડી જથ્થો પીવાના પાણી માટે ઉપાડવામાં આવતો હતો. જ્યારે વર્ષ 2024માં આ ડિમાન્ડ દૈનિક 116 એમએલડી જેટલી હતી. ચોમાસામાં જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો અપેક્ષિત પ્રમાણમાં સંગ્રહ થયેલો હોઇ આ વર્ષે ઉનાળામાં પીવાના તેમજ સિંચાઇ માટે પાણી આપવા આડે મુશ્કેલીઓ આવવાની શકયતાઓ ઓછી જણાય છે. સિંચાઇ વિભાગના સુત્રો મુજબ જળાશયોમાં પાણીનો સારો સંગ્રહ હોઇ પાછલા વર્ષોની સરખામણીએ જથ્થો ઓછો રિઝર્વ રાખવો પડશે તેમ જણાય છે. અલબત્ત આ એક અંદાજ છે. ગરમીના દિવસો વધવા સાથે ગરમીનું પ્રમાણ વધવાથી પીવાના પાણીની માંગ વધતી હોય છે. પાણી પુરવઠા વિભાગની વાર્ષિક જરૂરિયાતના હિસાબે જથ્થો અનામત રખાતો હોય છે. જિલ્લાના મોડાસા, બાયડ, મેઘરજ, માલપુર, ધનસુરા અને ભિલોડા એમ છ તાલુકાની વસ્તીને ઉનાળા દરમિયાન પીવાનું પાણી પુરૂં પાડવામાં આવશે. સૌથી વધુ વાત્રક ડેમમાં 55 એમએલડી જથ્થો અનામત રાખવામાં આવશે. ત્યાર બાદ માઝમ જળાશયમાં 9 એમએલડી જથ્થો રિઝર્વ રખાશે. હાથમતીમાં 1.2 તેમજ મેશ્વો જળાશયમાં 5.5 એમએલડી જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવશે. આ ચારેય જળાશયોમાં કુલ 70.7 એમએલડી જથ્થો આરક્ષિત કરાયો છે.










