પગારમાં વિસંગતતા સહિતની વિવિધ માગણીઓને લઇને હડતાળ પર ઉતરેલા અરવલ્લી જિ.પં. હસ્તકના 307 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને 23ને ચાર્જશીટ આપવામાં આવી છે.


ત્યારે નોકરીમાંથી છૂટા કરાયેલા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવોમાં જોડાયા હતા. આ અંગે અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતસિંહ માલિવાડના જણાવ્યા પ્રમાણે સરકારે અમને નોકરીમાંથી છૂટા કર્યા છે. અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ. હડતાળનો 11મો દિવસ છે. અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે હટવાના નથી. કોરોના સંક્રમણ સમયે અમે જીવના જોખમે ફરજ બજાવી છે તે સરકાર ભૂલી ગઇ છે. અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ તો અમારું પગારધોરણ ટેકનિકલ મુજબનું હોવું જોઇએ એટલી અમારી માગણી છે. બીજી તરફ ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓના અભાવે સબ સેન્ટરોમાં વેક્સિનેશન સહિતની કામગીરી ખોરવાઇ ગયાની ફરિયાદો ઉઠવા પામી છે.


  • Follow us on: