ચાણસ્મા રબારીવાસમાં આવેલ પ્રાચીન ગોગા મહારાજ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થયાના અવસરે 17 થી 19 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રજત જયંતિ મહોત્સવ તેમજ ગોગા મહારાજ મંદિરમાં સુવર્ણ મંદિર ગર્ભગૃહનો અર્પણ સમારોહ યોજાનાર છે. તે પૂર્વે ગુરુવારે બપોરે 12:39 કલાકે દિવ્ય મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે.


આ મહોત્સવને લઈ સમગ્ર ચાણસ્મા નગરમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.ગોગા મહારાજ મંદિરના રજત જયંતી મહોત્સવ અંગે ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ અને પૂજારી હસમુખગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે પ્રાતઃ પૂજા, પંચાંગ પૂજા બાદ બપોરે 12:39 કલાકે મંડપ પ્રવેશ બાદ સંતો મહંતો ની હાજરીમાં દિવ્ય મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે.તા.18મીને શનિવારે સવારે 9 કલાકે ભવ્ય શોભાયાત્રા રબારીવાસ ગોગા મહારાજ મંદિરથી નીકળશે અને નગર પરિભ્રમણ કરશે. સવારે 11 કલાકે સરસ્વતી શિશુ મંદિર મેદાનમાં વિશાળ ધર્મસભા યોજાશે. જેમાં દ્વારકા પિઠાધિશશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, જગન્નાથ મંદિર અમદાવાદના દિલીપદાસજી મહારાજ, દુધરેજ વડવાળા મંદિરના કણીરામજી મહારાજ, વાળીનાથ ધામ તરભના જયરામગીરીબાપુ, પીરાણા ધામના પ્રભાતકાકા તેમજ પીર સાહેબ અલી બાવા સહિત અનેક સંતો-મહંતો તેમજ ભુવાજીઓ હાજર રહી આશીર્વચન પાઠવશે. રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે. જ્યારે મહોત્સવના અંતિમ દિવસે રવિવારે સવારે 11 કલાકે ધ્વજારોહણ અને સાંજે 5 વાગે મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

આ મહોત્સવને સફ્ળ બનાવવા સમસ્ત ખાંભલ્યા પરિવાર, ગોગા મહારાજ પરિવારના હિતેન્દ્ર દેસાઈ, ભુવાજી પરેશદેસાઈ સહિત સમગ્ર નગરજનો જહેમત ઉઠાવી રહ્યા છે.


  • Follow us on: