બનાસ ડેરીના ગ્રામ્ય વિસ્તારના રૂટના ટેન્કરમાંથી છેલ્લાં કેટલાક સમયગાળાથી દુધનું ચોરી થતી હોવાની પોલીસને ખાનગી બાતમી મળી હતી. ડેરીના ટેન્કરના માલિક અને ચાલકના કેટલાક મળતીયાઓ દ્વારા દુધ ચોરી કરી અન્ય ખાનગી ડેરીમાં દૂધનો જથ્થો વેચતા હોવાની સુચનાઓ મળી હતી.
જેના આધારે રવિવારે સવારે દિયોદર એએસપી સુબોધ માનકર અને સ્ટાફની ટીમ દ્વારા ગુપ્ત રાહે તપાસ કરી લુદરા કેનાલ પાસે કેટલાક શખ્સો ટેન્કરમાંથી દુધની ચોરી કરીને ભાભર તરફ જતા હતા. ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ મહાલક્ષ્મી દુધ ડેરીમાં દુધ આપતા રંગેહાથ પકડી પાડયા હતા.વધુમાં મળતી માહિતી મુજબ આ કામના આરોપીઓ લીલા ચમનાજી ઠાકોર રહે ધાડવ તા. દિયોદર, રજનીશ હિરાભાઇ ચૌધરી રહે ઝઝામ તા. સાંતલપુર, ભરત પુનાભાઈ પરમાર રહે. ભેચાણા તા. દિયોદર , આકાશ શંકરભાઇ રબારી રહે. સવાલા તા. વિસનગર હાલ રહે દિયોદર વાળાઓના કબ્જા ભોગવટાના બે જીપ ડાલામા સિનટેકસના ટાંકાઓ, કેરબાઓ અને કેનમાં કુલ 1600 લીટર દૂધ દુધ મંડળીમાંથી ભરી લાવતા દુધના ટેન્કરમાંથી દુધ કાઢી તેની ચોરી કરતા હતા. તેમજ ટેન્કરમાં દુધની જગ્યાએ પાણી ભેળવી ચોરેલુ દુધ લઈ ભાભર વાવ રોડ ઉપર આવેલી પ્રાઈવેટ મહાલક્ષ્મી દુધ ડેરી ખાતે આપવા ગયા હતા. પોલીસે સ્થળ પરથી બન્ને પીકનીક ડાલામાંથી 1600 લીટર દૂધ, કિંમત રૂ. 96000, ત્રણ મોબાઈલ, બે પીકઅપ ડાલા સહિત અન્ય મુદામાલ મળીને કુલ રૂ. 5,05,400નો મુદામાલ કબ્જે કરી ભાભર પોલીસ મથકે ફ્રિયાદી દલરામભાઈ પટેલ બનાસ ડેરીના કર્મચારીની હકીકત આધારે ગુનો નોંધી બનાસ ડેરી તથા દુધ મંડળીમાં દુધ ભરાવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોઈ તેમજ પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગુનાહિત કાવતરું રચીને એકબીજાની મદદગાર કરી હોવાનો આરોપીઓ સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચાર આરોપીઓને પકડી પાડયા છે. જ્યારે ગુનામાં વોન્ટેડ અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.










