- બોટાદના રાણપુર ગામમાં સંસ્થાની શરૂઆત ઊની એકમ ચરખા કંતાઈથી થઈ હતી
- હાથશાળ અને હસ્તકલા આપણાં દેશના સમૃદ્ધ તેમજ વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું અભિન્ન અંગ
- બોટાદના રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા વર્ષ 1958થી કાર્યરત છે
ભારતમાં યુગોથી ચાલતી હાથશાળ કલા ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા દર વર્ષે તા. 7મી ઓગસ્ટ રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે બોટાદના રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા વર્ષ 1958થી કાર્યરત છે અને મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી આપી રહી છે. સંસ્થાને રાષ્ટ્રીય જીસીસીઈ એવોર્ડ અને વર્ષ 2012માં રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ મહિલા સંસ્થા પુરસ્કાર એનાયત કરાયો હતો. સંસ્થાની શરૂઆત રાણપુર ગામમાં ઉની એકમ ચરખા કંતાઈથી થઈ હતી. શરૂઆતમાં દેશી ઉનમાં કંતાઈ કરવામાં આવતી હતી. રાણપુરમાં મુખ્યત્વે ઉની કામ સ્થાનિક બહેનો દ્વારા કંતાઈ, ઉની વણાટ, ઉની નિટિંગ અને સ્ટીચિંગની કામગીરી કેમ્પસ ખાતેથી જ થઈ રહી છે. આ સંસ્થામાં 500 બહેનો કામ કરી દરરોજના રૂ.400થી 500 સુધીની દૈનિક રોજગારી મેળવી રહી છે. સરકારના કંતાઈ, મજુરી કાંતણ સહાય અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની કે.વી.બી, કે.બી.આઈ.સી.,એમ.ડી.એ. સ્કીમ અંતર્ગત બહેનોને તેમના કામ બદલ વળતર સીધું તેમના બેન્ક ખાતામાં જ જમા થઈ જાય છે. સંસ્થા દ્વારા ખાદીના વસ્ત્ર્રો, સ્વેટર, જર્શી, ટોપી, મફ્લર, મોદી જેકેટ અને દરેક પ્રકારની વુલન શાલ, 100 ટકા મેરીનો વુલમાંથી ઉત્પાદન થઈ રહ્યુ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી હાલ આ સંસ્થાના વાઈસ ચેરમને છે. સંસ્થાના હાલના પ્રમુખ ગોવિંદસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, બોર્ડ, નિગમ જેવા કે ઉર્જા વિકાસમાં 30 વર્ષથી એમજીવીસીએલ, ડીજીવીસીએલ, જેટકો અને જીએસઈસીએલમાં વુલન જર્શી અને રેમન્ડમાં ઉની વણાટ કોટિંગ સપ્લાય દ્વારા બહેનો સ્વમાનભેર પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે.










