- 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પદાધિકારીઓની જાહેરાત
- જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારી તેમજ ખજાનચીની નિમણુક કરાઇ
- દીપક બાબરીયાને દિલ્હી અને હરિયાણાના જનરલ સેક્રેટરી બનાવાયા
આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ગઇકાલે જ્યાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધિકારીઓની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યકરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તો આજે કોંગ્રેસ દ્વારા નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.
આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા 12 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અલગ અલગ રાજ્યો માટે સત્તાવાર નિમણુકો કરી છે. જેમાં, જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારી તેમજ ખજાનચીની નિમણુક કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સત્તાવાર જાહેરાત પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ગુજરાતના 2 નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. જેમાં, દીપક બાબરીયાને દિલ્હીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો સાથે સાથે તેમને હરિયાણાના જનરલ સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો સાથે સાથે ભરતસિંહ સોલંકીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સોલંકીને જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય પ્રભારી બનાવવામાં આવ્યા છે.











