ભરૂચના દહેજમાં એક બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી છે. ઝઘડિયા GIDCની RFC કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા છે. વેલ્ડિંગ કરતી વખતે સ્ટોરેજ કેમિકલમાં આગ લાગી હતી અને આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આકાશમાં આગના ધુમાડા જોવા મળ્યા. જો કે કંપની શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું રટણ રટી રહી છે. આગની ઘટના બાદ કંપનીમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવતા સાધનોની પણ અછત જોવા મળી છે.
આગમાં કોઇ જાનહાનિ નહીં, કંપનીને લાખોનું નુકસાન
RFC ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સુરક્ષાના નામે મીંડુ જોવા મળ્યું છે. જો કે તાત્કાલિક જીઆઈડીસીના અગ્નિ શામક દળોને ઘટનાની જાણ કરવામાં આવતા તરત જ ટીમ ઘટના ઉપર દોડી આવી અને માત્ર અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો. આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
દ્વારકાના વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે આગ લાગી
બીજી તરફ દ્વારકામાં આગનો એક બનાવ સામે આવ્યો છે. દ્વારકાના વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે આગ લાગતા લોકોમાં ખૂબ જ ભય ફેલાયો છે. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ ફાયર વિભાગની ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકામાં આવેલા વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના લીધે નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાને લઈને લોકો ભયભીત થઈ ગયા હતા. ચોથા માળે આગ લાગતા સમયસર પરિવારના લોકો બહાર નીકળી ગયા હતા. આગને જોતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આગના બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. દ્વારકા નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર ટીમ પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તેની પ્રાથમિક તપાસ કરાતા જાણવા મળ્યું કે, અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગના લીધે તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, હાલમાં આગને કાબૂમાં લેવામાં આવી છે.









