ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તો માર્ગ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષનોને હળવા કરવામાં આવનાર છે.
આ સિવાય જર્જરીત અને ભયજનક ઈમારતોમાં રહેતા લોકોને નોટીસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રીપેરીંગ કરાવી લેવા તાકીદ કરી છે. ગયા વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત 30 મકાનો ઉતારવામાં આવ્યા હતા.
ભરૂચમાં ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી શરૂ
જર્જરીત અને ભયજનક ઈમારતોના કારણે કોઈને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ નગરપાલિકા દર ચોમાસા પૂર્વે માલિકોને નોટીસ આપતી હોય છે. ત્યારે આ વર્ષે 50થી 60 મિલ્કત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. જેથી ચોમાસામાં કે વાવાઝોડામાં પડવાથી આસપાસના લોકોનું જાન માલનું નુકશાન ન થાય અથવા તો મિલ્કત ધારકોને નુકશાન ન થાય તે માટે સાવચેતી રાખી રિપેરિંગ થતું હોય તો કરાવી લે અથવા તો મિલ્કત ઉતારવી હોય તો આવા મિલ્કત ધારકોને નગરપાલિકા મદદરૂપ થશે તેમ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, રાજ્યભરમાં ભરઉનાળે જોરદાર વરસાદ જોવા મળ્યો હતો જેમાં ભરૂચમાં પણ વરસાદે ભુક્કા બોલાવી દીધા હતા. ત્યારે હવે ઉનાળા બાદ ચોમાસું આવશે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નાગરિકોના હિત ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદના કારણે કોઈપણ જાનહાની ન સર્જાઈ તે હેતુસર તમામ પ્રયાસો ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.