ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો. મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં નર્મદા-ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા હોવાની જાણ કરતાં તેમાં સુધારાની માંગ કરી. સરકારી શાળાની સ્થિતિ ખરાબ હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે. આ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આથી સરકાર આ બાબત ધ્યાને લઈને તેમાં શક્ય તેટલી વહેલી તકે સુધારા કરે તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી.
CM ભૂપેન્દ્ર પટેલને પત્ર
સાંસદ મનસુખ વસાવા હંમેશા કોઈને કોઈ સમસ્યાને લઈને પ્રજાનો અવાજ બની સરકારને રજૂઆત કરતા હોય છે. મનસુખ વસાવાનો લેટર અનેક વખત બોમ્બ બનીને ફૂટતો હોય છે. આ વખતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા-ભરૂચ જિલ્લાની સરકારી શાળામાં અવ્યવસ્થા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે. ડેડીયાપાડાના તાબદામાં શિક્ષકોની ઘટ છે. શાળા તો છે પણ જરૂરી વિષય મુજબ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત શાળામાં ક્લાર્ક, છાત્રાલયમાં ગૃહપતિ, રસોઈયા નથી આથી આ તમામ સ્થાનો પર ભરતી કરવાની માંગ કરી. શાળામાં રસોઈયા ન હોવાથી વિદ્યાર્થીઓ જાતે રસોઈ બનાવે છે. આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને શાકભાજી પણ આપવામાં ના આવતા હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો.

સરકારી શાળામાં અવ્યવસ્થા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત સમાચારમાં આવ્યા છે. મનસુખ વસાવા શૈક્ષણિક તેમજ સામાજિક મુદ્દે પડતર પ્રશ્નોને લઈને અનેક વખત પોતાના જ પક્ષના નેતાઓ સામે બાથ ભીડતા જોવા મળે છે. વડાપ્રધાનને પત્ર લખી રાજપીપળાના સ્થાનિકોને સુવિધા મળે તે હેતુ રેલવે લાઈન શરૂ કરવાની માંગ કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનન મુદે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આ કૌભાંડમાં અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સુધારાની માંગ
ભરૂચની સરકારી માધ્યમિક શાળા અને આશ્રમ શાળાઓમાં અવ્યવસ્થાની જાણ કરતા સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામ સ્થિત સરકારી માધ્યમિક શાળામાં અવ્યવસ્થાને લઈને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. આથી વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપતા મનસુખ વસાવા સીએમને પત્ર લખી વાસ્તવિક સ્થિતિની જાણ કરતાં જરૂરી સુધારા કરવાની માંગ કરી.









