ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર પાશવી કૃત્ય કરનારને કડકમાં કડક સજા ક્યારે મળે છે તે પણ મોટો સવાલ છે. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતાના મોતથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ભરૂચમાં કોલેજની 500થી વધુ વિદ્યાર્થિનીઓએ મૌન રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.


ઝઘડિયા દુષ્કર્મ પીડિતાના મોત મામલે હવે 500થી વધુ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા જે પી કોલેજથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનિઓએ સ્વ હસ્ત પત્ર લખીને કલેકટરને પોતાની પીડિતા પ્રત્યેની સહાનુભૂતિ કાગળે કંડારી હતી. કોલેજ વિદ્યાર્થિનીઓની એક જ માંગ છે કે આરોપીને જાહેરમાં ફાંસી આપો. બાળકીને ન્યાય મળે તે માટે જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિશાળ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.  500થી વધુ વિધાર્થીઓએ રોષ સાથે પત્ર લખી બાળકીને અને પરીવારને ન્યાય અંગે કલેક્ટરને રજુઆત કરી હતી.

SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું બાળકીના મોતનું કારણ

SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે 5:15 વાગ્યે એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે.

આરોપી વિજય પાસવાન જેલના સળીયા પાછળ

આ કેસમાં નરાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલના સળીયા પાછળ છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ 18 ડિસેમ્બરે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા.

શું હતી સમગ્ર ઘટના?

16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.

  • Follow us on: