ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દિવસના સમયે જિલ્લાનું તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેવાને કારણે બપોરના સમયે બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. જોકે આગામી પાંચ દિવસમાં તાપમાન વધીને 41 ડિગ્રીએ પહોચવાની શક્યતાઓ છે. ત્યારે આગામી સપ્તાહમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરશે.


જેના કારણે તંત્ર દ્વારા પણ લોકોને લુથી બચવા માટે કામ વિના બપોરે બહાર નહી નિકળવા, સરબતનું સતત સેવન કરવા સલાહ આપી તકેદારી રાખવાના પગલા ભરવા સુચવવામાં આવ્યું છે.માર્ચના અંતિમ દિવસોમાં જ ગરમીનું પ્રમાણ વધી જવા સાથે તાપમાનનો પારો 34થી 36ડિગ્રી સુધી પહોંચી જતાં આ વખતે ઉનાળાની મોસમ લોકો શેકાય જાય તેવી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં જ તાપમાનનો પારો 37 ડિગ્રીને પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી પાંચ જ દિવસમાં તાપમાનનો 4 ડિગ્રી વધીને 41 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દિવસના સમયે બહાર નિકળવાનું ટાળવા તંત્રએ અપીલ કરી છે. બપોરના સમયે ધોમધકતો તડકો પડતો હોવાને કારણે લૂ લાગવાની શક્યતાઓ નકારી શકાતી નથી. કન્સ્ટ્રક્શન, કંપની સહિતના કાર્યસ્થળોએ કે જ્યાં શ્રમિકો વધુ મહેનત કરતાં હોય છે. ત્યાં શ્રમિકો માટે ઠંડા પાણી તેમજ ઓઆરએસ સહિતની વસ્તુઓ રાખવી હિતાવહ છે. ઉપરાંત શ્રમિકને કોઈ સમસ્યા જણાય તો તુરંત તેમને સારવાર માટે ખસેડવા જણાવાયું છે.


  • Follow us on: