ભરૂચ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જેને પગલે સમગ્ર શહેર અને જિલ્લામાં ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં ફરી વરસાદ વરસ્યો છે.


[[$googlead]]

શિફા અને સંતોષી નગર વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી

ત્યારે ભરૂચમાં ભારે વરસાદને પગલે વીજ પોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના શિફા અને સંતોષી નગર વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે, જો સદનસીબે વીજ પોલ તૂટવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો છે.

[[$alsoread]]

જંબુસર પંથકમાં રાત્રીના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બીજી તરફ ભરૂચના જંબુસર પંથકમાં રાત્રીના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો પાલેજ પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદની શરૂઆત થતાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. જંબુસર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ડૂલ થતાં પ્રજા હેરાન પરેશાન થઈ છે.

વડોદરામાં પણ વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી

વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષનો વીડિયો પણ વાયરલ થયો છે. જ્યુબિલી બાગ પાસે તોતિંગ વૃક્ષે પવન સાથે બાથ ભીડી છે. જો કે સદનસીબે કોઈ રાહદારી પર ન પડતા જાનહાની ટળી છે. શહેરમાં અંદાજીત વૃક્ષ પડવાના 40થી વધુ કોલ આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરનો ગેટ પણ ધરાશાયી થયો છે તો સ્ટ્રક્ચર ઉપર લગાવેલ હોર્ડિંગસ પણ ધરાશાયી થયું છે.

તમને જણાવી દઈએ આજે સાંજ બાદ રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ અનેક જગ્યાએ શરૂ થઈ ગયો હતો. રાજ્યના સુરત, વડોદરા, ભરૂચ, જંબુસર, ગાંધીનગર, અમદાવાદ, નવસારી સહિત ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.  

  • Follow us on: