- ઝઘડિયા તાલુકાના માર્ગો ધોવાઈ જતાં સમારકામ માટે બેદરકારી, ખાડા વાહન ચાલકોએ પૂર્યા
- માર્ગ અને મકાન વિભાગ તંત્ર નિદ્રામાં સૂઇ રહેતા જતાં આવતા વાહન ચાલકોએ સેલ્ફ્ સર્વિસ અપનાવી
- રસ્તા પરના મોટા ખાડા વાહન ચાલકોએ જાતે પુરી સેલ્ફ્ સર્વિસ કરી રસ્તા પરના ખાડા પૂર્યા હતા
હજુ તો માંડ મેહુલિયો મન મુકીને વરસ્યો પણ નથી. અને વરસાદની શરૂઆતમાં જ ઝઘડિયા પંથકમાં કરેલી માર્ગ મકાન વિભાગની કામગીરી ની પોલ ખૂલી રહી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોડતા ઝઘડિયા તાલુકાના માર્ગો ધોવાઈ ચુક્યા છે.
ત્યારે માર્ગ અને મકાન વિભાગની રોડ રસ્તા બાબતે સમારકામ કરવાની ઉદાસીનતા સામે વાહન ચાલકોએ પોતાના વાહનોને નુક્સાન નહીં થાય તે હેતુ થી પથ્થરો લાવી રોડ ઉપર પડેલા ખાડાઓ બસના ચાલકોએ જાતે પુર્યા હોવાના દ્રશ્યો આજે સામે આવ્યા હતા.
ઝઘડિયા પંથકના માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિતના અન્ય માર્ગો પ્રથમ વરસાદે જ ઘોવાય ગયા છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદની મોસમ જામી છે. અને વરસાદની મોસમ જામતાં જ રોડ રસ્તાની ખસ્તા હાલત જોવા મળી રહી છે. ઠેર ઠેર મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે.
વરસાદની શરૂઆતમાં જ ઉમલ્લા, રાજપારડી, ઝઘડિયા, ગુમાનદેવ, નાના સાજાં ફટકથી મુલદ રોડ, જીઆઇડીસીને જોડતા માર્ગ સહિતના માર્ગો પર મસ મોટા ખાડા પડયા છે. ખાડા એટલી હદે ઉંડા છે કે લક્ઝરી બસ જેવા મોટા વાહનોના ચાલકો પણ આ ખાડાઓની સામે હિંમત હારી ગયા છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ સમારકામની કામગીરી હાથ ધરાઈ નથી. રસ્તા ના સમારકામ બાબતે માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા સામે વાહન ચાલકોમાં જાગૃતતા આવી હોવાનો એક અનોખો કિસ્સો આજ રોજ જોવા મળ્યો હતો. ઝઘડિયા જીઆઇડીસીમાં આવતી અસંખ્ય લક્ઝરી બસોના ચાલકો રોડની બદતર હાલત થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે એક લક્ઝરી બસના ચાલકે પોતાની લક્ઝરી બસમાં પથ્થરો ભરી લાવી રોડ ઉપર પડેલા ઉંડા ખાડાઓ પુરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના માર્ગ અને મકાન વિભાગને શરમાવે તેવી બની રહી છે. લક્ઝરી બસના ક્લિનર અને ચાલકે પોતે ઊંડા ખાડા ની અંદર પોતાના વાહન ને નુકસાન ન થાય તે માટે પથ્થરો પૂરવાની યુક્તિ અજમાવી હતી. આ દ્રશ્ય ઉપરથી એવું કહી શકાય કે ભરૂચ જિલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર નિરાંતે મોનસુનની મજા માણી રહ્યું છે. અને રોડ ટેક્સ, ટોલ ટેક્સ ભરનારા વાહન ચાલકોએ ખાડાઓ પુરવાની સેલ્ફ્ સર્વિસ કરવી પડી રહી છે.