144 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રિવેટ, 850 ગડર અને 25 સ્પાન ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજે 145 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. બ્રિટીશરોએ 16 મે 1881 માં નિર્માણ કરી પ્રજા માટે ખુલ્લા મુકેલો સુવર્ણ બ્રિજ પુર, ભૂકંપ સહિતની અનેક કુદરતી આપત્તિઓ વચ્ચે પણ આજે પણ અડીખમ ઉભો છે. શુક્રવારે ગોલ્ડન બ્રિજના 144વર્ષ પુર્ણ થઈ 145 વર્ષમાં પ્રવેશ બદલ સ્થાનિક યુવાનોએ નાના ભુલકાઓ સાથે ગોલ્ડન બ્રિજ પાસે કેક કાપી તેનો વર્ષગાંઠ ઉજવ્યો હતો. તેમજ ગોલ્ડન બ્રિજને હેરિટેજ જાહેર કરવા સાથે આવનારી પેઢી ભરૂચ જિલ્લાની તેમજ દેશની પ્રગતિમાં યોગદાન આપનારા ગોલ્ડન બ્રિજની માહિતીથી વાકેફ થાય તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવે તેવી માગ કરી હતી.


નર્મદા નદી ઉપર સૌપ્રથમ બ્રિજનું બાંધકામ 1860 માં થયુ હતું. તે સમયે 67 ગાળાના પુલની ઉંચાઈ 62.6 ફુટ હતી. બ્રિજ રેલ્વે માટે બનાવાયો હતો. જે બાદ 16 મે 1881માં હાલનો ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમા આવ્યો હતો. 1935માં ગોલ્ડન બ્રિજની બાજુમાં રેલ્વે માટે નવો બ્રિજ બનાવી તેનુ નામ સિલ્વર જયુબલી રેલ્વે બ્રિજ અપાયુ. સિલ્વર બ્રિજ ઉપરથી ટ્રેન સેવા કાર્યરત થતા 1941થી ટ્રેનોના સ્થાને ગોલ્ડન બ્રિજ ઉપર વાહનો દોડતા થયા હતા. 1947માં આઝાદી બાદ ગોલ્ડન બ્રિજને જુના નેશનલ હાઈવે નંબર 8 સાથે જોડી આસ્ફાલ્ટનો બનાવાયો હતો. ભરૂચ પંથકમાં વિવિધ ઐતિહાસિક સ્મારકો આવેલા છે તેમાં સૌથી વધુ મહત્વ ગોલ્ડન બ્રિજનું છે. એમ કહેવાય છે કે, ગોલ્ડન બ્રિજના નિર્માણ પાછળ એટલો ખર્ચ કરવામાં આવ્યો હતો કે, જો ગોલ્ડન બ્રિજને સોનાથી બનાવવામાં આવે તો પણ આટલો ખર્ચ ન થાય અને તેથી જ તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. ભરૂચ પંથકના ગોલ્ડન બ્રિજને અંગ્રેજોના જમાનાના નિર્માણ ક્ષેત્રના કુશળતા અંગેનું બેનમૂન ઉદાહરણ પણ કહેવામાં આવે છે. ઈતિહાસમાં ગોલ્ડન બ્રિજએ પોતાનું નામ ગોલ્ડન અક્ષરે અંકિત કર્યુ છે ત્યારે આવા બ્રિજ નિર્માણ હવે થાય તેવી શકયતા ખૂબ ઓછી છે.

મુંબઈ-દિલ્હી વચ્ચેનો કરોડરજ્જુ હતો ગોલ્ડન બ્રિજ

એક સમય એવો હતો કે જયારે દિલ્હી-મુંબઈ વચ્ચેના યાતાયાત અંગે ગોલ્ડન બ્રિજનું ઘણુ મોટુ મહત્વ હતુ. બ્રિજ જો બંધ કરાય તો દેશના ઘણા વિસ્તારોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી જાય. આજ કારણોસર દિલ્હી અને મુંબઈ વચ્ચેના યાતાયાતના રસ્તા પરના નર્મદા નદી ઉપરના ગોલ્ડન બ્રિજને કરોડરજ્જુ કહેવામાં આવતો હતો. એટલુ જ નહી પરંતુ આજે પણ આ કરોડરજ્જુ હેમખેમ છે.

ગોલ્ડન બ્રિજનો હેરિટેજ તરીકે ઉપયોગ થવા માગ

ભરૂચ નજીક નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ અંગેની પુરતી માહિતી હાલની પેઢી અને આવનાર પેઢીઓને મળી રહે તે માટે તંત્ર દ્વારા એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગોલ્ડન બ્રિજના નિર્માણ અંગે વિવિધ માહિતી ગોલ્ડન બ્રિજ પરથી જ મળી રહે. આવી માહિતીઓમાં ગોલ્ડન બ્રિજનું નિર્માણ કોણે કર્યુ, કેટલો ખર્ચ થયો તેમજ તેની ખાસિયતો શું છે તે બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ.

નર્મદા નદી પરના અન્ય બ્રિજની તવારીખ

 1935 માં સિલ્વર રેલ્વે બ્રિજનું નિર્માણ

 24 એપ્રિલ 1977માં 1350 મીટર લાંબો રૂા.120 કરોડના ખર્ચે જુના સરદાર બ્રિજ

 11નવેમ્બર 2000 માં રૂા.113 કરોડના ખર્ચે નવો સરદાર બ્રિજ

 2017 માં 392 કરોડના ખર્ચે કેબલ સ્ટેઈડ બ્રિજ

 2020 માં નર્મદા મૈયા બ્રિજ

 2020 માં રેલ્વે માટે ડીએફસી બ્રિજ (કુકરવાડા)

 2021 માં મુંબઈ-અમદાવાદ એક્ષપ્રેસ વે બ્રિજ

 2022 માં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બ્રિજ

ગોલ્ડન બ્રિજને રંગબેરંગી રોશનીથી સજાવો

ગોલ્ડન બ્રિજ એ ભરૂચનું ગૌરવ અને આન, બાન, શાન છે ત્યારે ગોલ્ડન બ્રિજને ગોલ્ડન કલરથી રંગીને રોશનીના ઝગમગાટ વડે શણગારવામાં આવે તો આકર્ષણમાં બમણો વધારો થાય. એટલુ જ નહી પરંતુ સમીસાંજે અને રાત્રિના સમયે લાઈટીંગ ડેકોરેશનવાળા ગોલ્ડન બ્રિજનું પ્રતિબીંબ નર્મદા નદીના નીરમાં જણાતા એક ખૂબ આકર્ષક દ્રશ્ય ખડુ થાય આવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઈ તેવી માંગ કરાઈ છે.

યુદ્ધના સમયે ગોલ્ડન બ્રિજને પ્રોટેકશન અપાતું

યુદ્ધના સમયે દેશના મુખ્ય અને ચાવીરૂપ સ્થળો સાથે હીટલીસ્ટમાં ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ થતો હતો તેનુ એક માત્ર કારણ એ છે કે, જો દુશ્મન દેશ ગોલ્ડન બ્રિજને ઉડાવી દેવામાં સફળ થાય તો ભારતને ખુબ મોટુ નુકશાન થાય અને એ નુકશાન ભરપાઈ કરવા માટે ખુબ વરસો નીકળી જાય પરંતુ સદનસીબે પાકિસ્તાન અને ચીન સાથે ભારતના થયેલ યુદ્ધ દરમ્યાન સેનાએ ગોલ્ડન બ્રિજને આગવું સુરક્ષા કવચ પુરુ પાડયુ હતુ. પરિણામે ગોલ્ડન બ્રિજ આજે પણ હેમખેમ છે.

સુર્વણ બ્રિજ નિર્માણના શિલ્પીઓ

સુવર્ણ બ્રિજની ડિઝાઈન સરજોન હોક્શા દ્વારા બનાવી તેનુ બાંધકામ ટી.વાઈટ અને જી. એમ. બેલી દ્વારા થયુ હતુ. ચીફ રેસીડન્ટ એન્જીનીયર એમ મેથ્યુ અને રેસીડેન્ટ એન્જીનીયર એચ. જે. હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનુ શરૂ કરી 16 મે 1881ના રોજ બ્રિજનું નિર્માણ પુર્ણ કરાયુ હતુ.


  • Follow us on: