જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હૂમલામાં ભાવનગરના બે સહિત ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થયાં છે. જેમાં ભાવનગરના પિતા અને પુત્રનું પણ મૃત્યુ થયું છે. જેને લઈને આગામી 29 એપ્રિલે યોજાનાર ભાવનગર કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે. પિતા પુત્રના મૃત્યુ બાદ કાર્નિવલ સમિતિએ કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ભાવનગરથી જમ્મુ કાશ્મીર જતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની બસો કેન્સલ કરવામાં આવી છે.
કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવી
ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત ભાવનગરના જન્મ દિવસની ઉજવણી એટલે કે કાર્નિવલ મહોત્સવની ભવ્ય ઉજવણી બોરતળાવ ખાતે તા.29 અને 30 એપ્રિલના રોજ યોજાવાની હતી. પરંતુ ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા અને લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવેણાનો જન્મોત્સવ એટલે કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવી છે.મૃતકોના આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે અને સમગ્ર દેશ તેમની સાથે છે.
સાદગી પૂર્ણ રીતે મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરાશે
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી ઘટના માં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ધારાસભ્ય જીતુ વાઘાણીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટે સતત સંપર્કમાં છે.તે ઉપરાંત ભાવનગરથી જમ્મુ કાશ્મીર જતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની બસો કેન્સલ કરવામાં આવી છે. આવતીકાલે 24 એપ્રિલે ભાવનગરથી 2 ટ્રાવેલ્સની બસો જવાની હતી. શિવ સાગર અને શ્રી હોલીડે નામની ટ્રાવેલ્સની ટુરની બસ જવાની હતી. જન્મોત્સવ સમિતિએ સર્વ સંમતિથી કાર્નિવલ મહોત્સવ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે અને સાદગી પૂર્ણ રીતે મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.









