• સર્વોત્તમ ડેરીથી લઇ ટાણા ચોકડી સુધીમા અનેક સ્થળે રોડ તૂટયો

  • વાહનચાલકો અને અપડાઉન કરતા લોકો ત્રાહિમામ : અકસ્માતની ભીતિ
  • આ રોડ બાબતે અનેક આવેદનો અપાયા અને આત્મવિલોપનની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી

છોટે કાશી સિહોરમાં હાલ શ્રાવણમાસ ચાલે છે ત્યારે નવનાથના દર્શને હજ્જારો ભક્તો આવે છે. ત્યારે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. સાથે ખાડારાજથી હેરાન થઈ જાય છે. ભાવનગર રાજકોટ રોડ પર સર્વોત્તમ ડેરીથી લઇ ટાણા ચોકડીનો રોડ માનવ જિંદગી જોખમાઇ તેવો થઈ ગયો છે. આ રોડ બાબતે અનેક આવેદનો અપાયા અને આત્મવિલોપનની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. ખાડામાં વૃક્ષારોપણ કરીને દેખાવો પણ કરાયા હતા. પરંતુ તંત્રને કોઈ અસર થઈ નથી.

ભાવનગર-રાજકોટ રોડ પરથી દિવસભર સંખ્યાબંધ વાહનો પસાર થાય છે. નાના મોટા અકસ્માતો સર્જાયા રહ્યા છે. તો વળી કોઈ ને ઈજાઓ થઈ છે. વારંવારની રજુઆતો, આવેદનો આપીને નગરજનો, આગેવાનો, રાજકીય આગેવાનો થાકી ગયા છે. આ મોત ના ખાડા બુરવા કોઈ રાજી નથી. ખાડાના ખપ્પરમાં વાહન અને લોકોને નુક્શાન થાય છે. દર્દી નારાયણ દુઃખી,108 જેવા ઇમરજન્સી વાહનો અટવાઈ રહ્યા છે. છતાં હજુ કેટલુ સહન કરવાનું છે હવે લોકો જવાબ માંગી રહ્યા છે. આ ખાડારાજ રોડ પરથી અનેકવાર સાસંદ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હશે. પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી. આ રોડ બાબતે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો હવે લોકો દ્વારા સ્વયંભુ આંદોલનનાં મંડાણ કરવામા આવશે.


  • Follow us on: