- 16 વર્ષ બાદ હીરા ઉદ્યોગમાં આવી ભયંકર મંદી આવી
- નાના મોટા અનેક કારખાના અને ઓફિસોને મંદીના માહોલના કારણે તાળા મારી દેવા પડ્યા
- રત્નદીપ યોજનાનો અમલ સરકાર ઝડપથી કરે તેવી રત્ન-કલાકારોની માગ
ભાવનગરમાં હીરા ઉદ્યોગની ચમક મંદીના કારણે ઝાંખી પડી ગઈ છે. ભાવનગર એક સમયે હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ ગણવામાં આવતું હતું, પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે આજે આ હીરા ઉદ્યોગમાં અનેક ઓફિસ અને કારખાનાઓને તાળા લાગી ચૂક્યા છે.
મંદીના ગ્રહણના કારણે રત્ન કલાકારોના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી ગયું છે. જ્યારે બીજી તરફ મોટા હીરાના ઉદ્યોગપતિઓ મંદીના કારણે ભાવનગર છોડીને મોટા સિટીમાં પલાયન થવા માટે મજબૂર બન્યા છે. સરકારે જે તે સમયે એટલે કે 6 વર્ષ અગાઉ રત્નદીપ યોજના રત્ન કલાકારો માટે બહાર પાડી હતી, એ યોજનાનો અમલ થાય એવી માંગ હાલ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને કારખાનાઓના માલિક કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લો 60 ટકા રોજગારી હીરા ઉદ્યોગમાંથી મેળવે છે
ભાવનગર જિલ્લામાં મોટાભાગની રોજગારી હીરા ઉદ્યોગમાંથી મળે છે. આ હીરા ઉદ્યોગના કારણે અનેક પરિવારોનું ગુજરાન ચાલે છે, પરંતુ પરિસ્થિતિ એવી પલટાઈ છે કે ભાવનગરનો હીરા ઉદ્યોગ દિવસેને દિવસે મંદીના વમળમાં ઘેરાઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હીરા ઓફિસ અને હીરાના કારખાનાઓ જ્યાં 100થી 200 રત્ન કલાકારો કામ કરી રહ્યા હતા, ત્યાં હવે માત્ર 50થી 60 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અનેક નાના મોટા કારખાનાઓ અને ઓફિસોને મંદીના કારણે તાળા મારી દેવામાં આવ્યા છે.
ભયંકર મંદીના કારણે હીરા ઉદ્યોગ ઠપ્પ
રત્ન કલાકારોનું માનવું છે કે 16 વર્ષ બાદ હીરા ઉદ્યોગમાં આવી ભયંકર મંદી આવી છે કે જેના કારણે હીરાનો ઉદ્યોગ ઠપ્પ પડી ગયો છે. પહેલા એક ઓફિસમાં બેથી વધુ વિભાગો ચાલતા હતા, તેમાંથી પણ માત્ર હવે એક જ વિભાગ જ ચાલુ રાખવો પડે તેવી સ્થિતિ છે. જ્યારે અન્ય મશીનરી અને હીરા સાથે સંકળાયેલા ઘણા રત્ન કલાકારો માટે વેકેશન જાહેર કરવું પડ્યુ છે, તેની પાછળનું એકમાત્ર કારણ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી છે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયાને 2 વર્ષનો સમય વીતવા આવ્યો ત્યારથી હીરા ઉદ્યોગમાં મંદી આવી છે. રફ ડાયમંડનો ભાવ ઊંચો છે અને પોલીસ કરેલા તૈયાર હીરાનો ભાવ નીચો આવવાથી હીરાના કારખાનાના માલિકો ખોટ ખાઈને પણ રોજગાર ચલાવી રહ્યા છે.
રત્નદીપ યોજનાનો અમલ સરકાર ઝડપથી કરે તેવી માગ
હાલ ભાવનગર જિલ્લામાં 15 ટકા જેટલા હીરાના કારખાના બંધ હાલતમાં છે. ભાવનગર જિલ્લામાં આવેલ 2000 જેટલા હીરાના કારખાના તેમજ 2000 જેટલી આવેલી હીરાની ઓફિસોમાંથી 800થી વધુ કારખાના અને ઓફિસો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. થોડા દિવસોમાં તહેવારો શરૂ થવાના છે, ત્યારે જન્માષ્ટમીનું વેકેશન પણ લંબાઈ શકે એવી શક્યતાઓ છે. બીજી તરફ સરકાર દ્વારા રત્ન કલાકારો માટે બહાર પાડવામાં આવેલી રત્નદીપ યોજનાનો અમલ સરકાર ઝડપથી કરે તો પણ રત્ન કલાકારોને ફાયદો થઈ શકે એમ છે.
વિદેશમાં પણ હીરાની ડિમાન્ડ ઘટી
આમ તો દેશ-વિદેશમાં હીરાની માગ મોટા પ્રમાણમાં રહેતી હોય છે અને સુરત બાદ ભારત દેશમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરનો બીજો નંબર આવે છે. ભાવનગરમાંથી તૈયાર થયેલા હીરા મુંબઈ, દુબઈ, અમેરિકા સહિતના દેશોમાં સૌથી વધુ એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ વિદેશમાં પણ હીરાની માગમાં સતત ઘટાડો થયો છે, જેના કારણે હીરા ઉદ્યોગ મંદીમાં ધકેલાઈ ચૂક્યો છે. મંદીનો સૌથી મોટો ફટકો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને પડતો હોય છે, કારણ કે એક વર્ષ પહેલા જે રત્નકલાકાર 20થી 25 હજાર રૂપિયા એક મહિને કમાતો હતો, તે જ રત્નકલાકાર આજે 10,000 રૂપિયા કમાવવા માટે પણ સક્ષમ રહ્યો નથી જેના કારણે ભાવનગરના હીરા ઉદ્યોગની ચમક અને દમક ઝાંખી પડી ગઈ છે.









