ભાવનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતના મોં માં આવેલો કોળીયો છીનવી લીધો છે. બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. થોડા દિવસો પહેલા માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તેમજ ભારે વરસાદ સાથે મોટા મોટા કરા પડ્યા હતા તેના કારણે કેરી સહિતના બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.
માવઠાના કારણે ખેડૂતોને થયું નુકસાન
ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. કેરી, જમરૂખ, દાડમ, કેળ, પપૈયા, લીંબુ સહિત ના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. તળાજા અને ઘોઘા તાલુકાને જોડતા 20થી વધુ ગામોમાં બાગાયતી પાકમાં કેરી અને કેળનું ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. તળાજાના સોસીયા, મણાર, મીઠીવીરડી, લાખણકા, અલંગ, તેમજ ઘોઘા તાલુકાના હાથબ, ખડસલીયા, થળસર, તણસા, લાકડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આંબા અને કેળનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં સોસીયા ની કેસર કેરી ભારત સહિત વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે.
સારી સિઝન હોય ત્યારે સોસીયા કેસર કેરી 2000થી 4000 પ્રતિમણના ભાવે વેચાણ થતી હોય છે જે આ વર્ષે પણ ખેડૂતોને સારું ઉત્પાદન અને ભાવ મળવાની આશા હતી. અચાનક તૂટી પડેલા માવઠાના કારણે ખેડૂતોના મોં માં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીના કારણે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે જ્યારે ભારે પવનના કારણે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
માવઠાએ ખેડૂતોની આશાઓ પર ફેરવ્યું પાણી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંથકમાં આવેલા સોસીયાની કેરી ખૂબ પ્રસિદ્ધ પામી છે જેને દેશવિદેશ સુધી વેચાણ કરવામાં આવે છેઅને ખેડૂતોને સોસીયાની કેસર કેરીના સારા ભાવ મળતા હોય ખેડૂતો મોટાપાયે વાવેતર કરી સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોની આશાઓ પર માવઠાએ પાણી ફેરવી દીધું છે શરૂઆતમાં આંબામાં ભરપૂર મોર આવતા સારુ ઉત્પાદન મળે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ સતત બદલાઈ રહેલા ઠંડી, ગરમી અને ઝાકળભર્યા વાતાવરણના કારણે આંબામાં આવેલો મોર ખરી પડ્યો હતો. જેથી ઉત્પાદન ઘટવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી ત્યાં ફરી માવઠાનો માર લાગતા ખેડૂતો પાયમાલ થયા છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ કરી માંગ
હવામાન વિભાગની આગાહી બાદ ભારે પવન અને કરા સાથે વરસી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો બાગાયતી પાક ખેતરોમાં ખરી પડ્યો હતો જેમાં કેરીના પાકમાં માવઠાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખેતરોમાં આમથી તેમ જ્યાં જુઓ ત્યાં આંબા નીચે ખરી પડેલી કેસર કેરી નજરે પડી રહી છે. ખરી પડેલી કેરીના ભાવ નહીં મળતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેરીના પાકને નુકશાન થતાં આ વર્ષે કેરીની આવક ઓછી થવા સાથે ભાવમાં પણ જબ્બર ઉછાળો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ ભારે પવન અને માવઠાના કારણે પાકમાં થયેલા વ્યાપક નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.